હવે શિક્ષકોને કૂતરાની ગણતરી કરવા આદેશ

By: Nation Gujarat Team
13 Feb, 2026

ગુજરાતમાં SIRની કામગીરીમાંથી શિક્ષકો હજી તો ફ્રી નથી થયા ત્યાં જ પોતાની શાળા અને આસપાસના વિસ્તારમાં રખડતા કૂતરાઓની ગણતરી માટે આદેશ કરાતા વિવાદ થયો છે. શિક્ષણ નિયામકે પરિપત્ર કરી શિક્ષકોને કૂતરા ગણવાની જવાબદારી સોંપાતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની સોંપાતી કામગીરીના કારણે શિક્ષણ પર અસર થતી હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી રહી છે. તેની વચ્ચે જ હવે રખડતા કૂતરાની ગણતરીના થયેલા આદેશથી નવો વિવાદ છેડાયો છે. કોંગ્રેસ આ પરિપત્ર રદ કરવાની માગ કરી છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં અને આસપાસના વિસ્તારમાં કૂતરાની ગણતરી કરવા આદેશ નાયબ શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્યની તમામ સંસ્થાઓ જેવી કે હોસ્પિટલ, દવાખાના, શૈક્ષણિક સંસ્થા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશનમાં કૂતરાઓની સંખ્યા અંગે સચોટ માહિતી રાખવી અનિવાર્ય છે. ત્યારે રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને આસપાસના વિસ્તારમાં રહેતા કૂતરાઓનો સર્વે કરવા આદેશ કરાયો છે.

કોંગ્રેસે પરિપત્ર રદ કરવાની માગ કરી ગુજરાતમાં શિક્ષકોને વધુ એક વાર શિક્ષણ સિવાયની કામગીરી સોંપાતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે, ગુજરાતમાં 3 હજાર શાળાઓ તો એવી છે કે જે એક જ શિક્ષકથી ચાલે છે. શિક્ષકોને શિક્ષણ સિવાય શૌચાલય ગણવા, ભીડ ભેગી કરવા, ચૂંટણીના કામ, SIRની કામગીરી સોંપાઈ રહી છે જેના કારણે શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. શિક્ષકોને પોતાના વિસ્તારમાં કૂતરાની ગણતરી માટે આદેશ કરાયો છે જેના કારણે વર્ગખંડમાં શિક્ષણ આપવાનો સમય જ નહીં મળે. ગુજરાતમાં શિક્ષકો સિવાય કોઈ છે જ નહીં કે જે આ કામગીરી કરી શકે? તાત્કાલીક આ પરિપત્ર રદ કરવામાં આવે.

શિક્ષણમંત્રીએ કહ્યું- ‘આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લેવાયો, રાજકીય રંગ આપવો યોગ્ય નથી’ શૈક્ષણિક સંસ્થાઓ અને કેમ્પસમાં રખડતાં શ્વાનોના સર્વે કરવા અંગે કમિશનર શાળા કચેરી દ્વારા કરાયેલા પત્ર અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ કહ્યું કે, “આક્ષેપ કરવો કોંગ્રેસનું કામ છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. શૈક્ષણિક સંકુલની બહાર જઈને સર્વે કરવાનો નથી.” મંત્રીએ સ્પષ્ટતા કરી કે આ પગલું વિદ્યાર્થીઓની સુરક્ષા અને માર્ગદર્શિકા અનુસાર લેવામાં આવ્યું છે અને તેને રાજકીય રંગ આપવો યોગ્ય નથી. આવા કામો પણ શિક્ષકો પાસે કરાવવા માટે આદેશ કરાયા છે શિક્ષકોને છેલ્લા કેટલાક સમયથી એવા કામો સોંપવામાં આવે છે જે શિક્ષણ ક્ષેત્ર સાથે લાગતા વળગતા નથી. જેમાં અમુક કામો તો એવા પણ છે કે જે અંગે સાંભળીને આપણને પણ એમ થાય કે આવા કામો પણ શિક્ષકો પાસે કરાવાયા છે અથવા તો કરવા માટે કહેવામાં આવ્યું છે. આવા કામોમાં તીડ ભગાડવાનું કામ, લગ્ન સમારોહ કે અન્ય સામાજીક પ્રસંગોમાં ભોજનનો બગાડ ન થાય તે ચકાસવાનું, શૌચાલય ગણવાનું કામ, ગામમાં ઢોર પશુઓની ગણતરીનું કામ, સુજલામ-સુફલામમાં ખાડા ખોદવા સહિતના કામો કરવા અંગે શિક્ષકોને કહેવામાં આવ્યું છે. જેમાં તીડ ભગાડવા અંગેનો આદેશ પાછળની દૂર પણ કરવામાં આવ્યો હતો. હવે શૈક્ષણિક સંસ્થા આસપાસ કૂતરાની ગણતરી કરવા આદેશ કરાયો છે.


Related Posts

Load more