હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારો : અંબાલાલ પટેલે કરી આગાહી,

By: Nation Gujarat Team
24 Jul, 2026

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના બદલાતા માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની શક્યતા છે. રાજ્ય પર એક મજબૂત વરસાદી સિસ્ટમ કેન્દ્રિત થવાના કારણે મોટા ભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, જ્યાં અત્યાર સુધી ઓછો વરસાદ નોંધાયો છે, તેવા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતા છે. રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, સુરેન્દ્રનગર, હળવદ અને ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જ્યારે બોટાદ અને ભાવનગર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

તે ઉપરાંત કચ્છ જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે, જ્યારે જામનગરમાં પણ હળવા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ પાટણ, ચાણસ્મા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. વરસાદની તીવ્રતા વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ

આગાહી પ્રમાણે વડોદરા, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે, જેના કારણે નદી-નાળા અને તળાવોમાં પાણીની આવક વધવાની શક્યતા છે.

28 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી 28 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની સારી શક્યતા રહેશે. આ સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં હળવાથી લઈને અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. જોકે, હવામાન સંબંધિત આગાહી સમયાંતરે બદલાઈ શકે છે, તેથી નાગરિકોએ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓ પર પણ નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.


Related Posts

Load more