સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – BCA સેમ.5ના પેપરમાં છબરડો, પરીક્ષા રદ, હવે ક્યારે લેવાશે?

By: nationgujarat
20 Nov, 2025
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા BCA સેમ.5 નું પેપર રદ કરવામાં આવ્યું છે. એક અધ્યાપકના લીધે 2200 વિદ્યાર્થીઓએ પ્રોગ્રામિંગ ઇન પાયથનનું પેપર ફરી વખત આપવું પડશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12 નવેમ્બરના રોજ લેવાયેલું BCA સેમેસ્ટર 5નું 50 માર્કનું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર રદ જાહેર કરવામાં આવ્યું છે.
કેમ પેપર રદ કરવું પડ્યું?

જામનગરની એચ.જે. દોશી કોલેજના પ્રિન્સિપાલ દ્વારા પોતાની કોલેજમાં ઇન્ટર્નલ પરીક્ષા માટે જે પેપર કાઢવામાં આવ્યું હતું તે જ પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં કાઢવામાં આવતા રદ કરાયું છે. બંને પેપર એક સરખા હોવાનું સાબિત થતા યુનિવર્સિટીએ પેપર રદ કરવું પડ્યું છે. આ થિયરી પેપર આગામી 22 નવેમ્બરના રોજ લેવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2200 વિદ્યાર્થીઓને મુશ્કેલી ભોગવવી પડશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહ દ્વારા આજે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ગત 12 નવેમ્બરના રોજ લેવાયેલું બીસીએસ સેમેસ્ટર 5 નું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર એક સરખું નીકળ્યું હોવાથી આ પેપર રદ કરવામાં આવે છે. આ પેપર 22 નવેમ્બરના રોજ લેવામાં આવશે.
એજ્યુકેશન ફેકલ્ટીના ડીને શું કહ્યું?

આ મામલે એજ્યુકેશન ફેકલ્ટીના ડીન નિદત બારોટે કહ્યું હતું કે, હું માનું છું કે આ વખતે ભૂલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સીધી નથી, પણ જે તે પ્રોફેસર દ્વારા આ પેપર કાઢ્યું છે. વ્યવસ્થા એવી છે કે આ પેપર કોઈએ વાંચવાનું ન હોઈ સીધું જ પરીક્ષામાં આવે છે. જે તે પ્રોફેસરે ચોકસાઈ રાખવાની હોય છે. આ અધ્યાપક સિનિયર છે અને ભૂલ કેમ થઈ છે તે જોવું પડી શકે છે. પ્રોફેસર સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. પેપર કાઢનાર અધ્યાપકે પેપર કાઢવામાં મહેનત ન કરી હોઈ શકે. પેપર ફોડવાની ભાવના ન હોય પણ બીજી વખત મહેનત ન કરવી પડે એ માટે આવી રીતે એક જ પેપર કાઢ્યું હોઈ શકે છે. ભૂતકાળના સમયમાં આવું થયું છે, પરીક્ષા વિભાગની જવાબદારી સીધી નથી હોતી પણ જે પ્રોફેસરે આ કામ કર્યું છે. તે માટે તેની જવાબદારી નક્કી થાય છે, પ્રશ્નપત્ર આ પ્રકારે થવું ન જોઈએ. મને માહિતી મળી છે તે મુજબ જામનગરથી આ વાત વિદ્યાર્થીઓ મારફત સામે આવી છે. પરીક્ષા રદ કરવા સુધીના નિર્ણય લેવામાં આવ્યા છે.

Related Posts

Load more