મહેસાણામાં કડવા પાટીદાર પ્રગતિ મંડળનું સ્નેહમિલન યોજાયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી આકરા તેવરમાં જોવા મળ્યા હતા. તેઓએ સોમનાથ મંદિર પર હુમલો કરનાર મોહંમદ ગઝનીની સરખામણી કૂતરા સાથે કરી હતી.
નીતિન પટેલે કહ્યું હતુ કે, મહમૂદ ગઝની લૂંટારો હતો. તેણે 17 વખત સોમનાથ મંદિર લૂંટ્યું હતું. પરંતુ તેનું બીજું એક અપલક્ષણ હતું કે તે લૂંટ તો કરે જ, પણ મંદિરો તોડી નાખતો હતો. ખરાબ લાગશે પણ કહેવું જરૂરી છે કે, કૂતરો ક્યાંય જાય તો પેશાબ કરે, એ કૂતરાનું લક્ષણ છે. એમ મહમૂદ ગઝનીનું લક્ષણ હતું કે લૂંટ કરે, બેન-દીકરીઓને ઉઠાવી જાય અને હિન્દૂ મંદિરો તોડી નાખે.
સોમનાથ મંદિરના પુનર્નિર્માણ અને ઈતિહાસને લઈ નીતિન પટેલે હુંકાર કરતા કહ્યું કે, ભૂતકાળને ભૂલી જઈશું તો આવનારો સમય અને પ્રજા આપણને માફ નહીં કરે. ઔરંગઝેબ અને ગઝની જેવા આક્રમણખોરો હિન્દુ ધર્મને કાયમી નુકસાન પહોંચાડી શક્યા નથી. સરદાર પટેલે દરિયાનું પાણી હાથમાં લઈ સોમનાથને ફરી ભવ્ય બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે.
તો બીજી તરફ, મફતલાલ ગ્રુપના વારસદાર પણ સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોવાનો નીતિન પટેલે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. કડીના 72 ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળના સ્નેહ મિલનમાં નીતિન પટેલે કરેલું સંબોધન હાલ ચર્ચામાં આવ્યું છે. આ પ્રસંગે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.