Ahmedabad-Keshod-Diu flight Started : જૂનાગઢના કેશોદમાં નવાબના સમયથી એરપોર્ટ બનાવેલું છે. નોંધનીય છે કે, વર્ષો સુધી આ એરપોર્ટ પર ફ્લાઇટની અવર-જવર બંધ હતી. પરંતુ, છેલ્લાં અઢી વર્ષથી આ એરપોર્ટ ફરી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે હવે જૂનાગઢ વાસીઓ માટે આ એરપોર્ટને લઈને વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. પહેલા અહીં ફક્ત કેશોદથી મુંબઈની ફ્લાઇટ મળતી હતી, પરંતુ કેન્દ્ર સરકારની ઉડાની યોજના હેઠળ કેશોદ એરપોર્ટ પરથી 29 ઓક્ટોબરથી સપ્તાહમાં ત્રણ દિવસની ફ્લાઈટ સેવા શરૂ થઈ છે. આજથી મુસાફરો અમદાવાદ-કેશોદ-દીવની ફ્લાઇટનો પણ લાભ લઈ શકાશે. આ નિર્ણયથી ખાસ કરીને સોમનાથ મહાદેવ જતા શ્રદ્ધાળુઓ ખુશખુશાલ છે.
અમદાવાદથી ક્યારે મળશે ફ્લાઇટ?
અમદાવાદ-કેશોદ-દીવ વચ્ચે શરૂ થતી આ ફ્લાઇટ અઠવાડિયાના મંગળવાર, ગુરૂવાર અને શનિવારે કાર્યરત રહેશે. અમદાવાદથી આ ફ્લાઇટ સવારે 10:10 મિનિટે ઉપડશે જે સવારે 10:55 કલાકે કેશોદ પહોંચાડશે. ત્યારબાદ આ ફ્લાઇટ કેશોદથી દીવ માટે રવાના થશે. બાદમાં તે બપોરે 3:55 કલાકે દીવથી ઉપડી ફરી કેશોદ આવશે. ત્યાંથી બપોરે 4:20 મિનિટે ઉડાન ભરશે અને 5:10 વાગ્યે અમદાવાદ પહોંચશે.
પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન
જૂનાગઢ-ગીરનાર તેમજ આસપાસમાં આવેલાં સોમનાથ, માધવપુરા જેવા ધાર્મિક સ્થળો તેમજ ગીર અભયારણ્યમાં સિંહ દર્શન, ચોરવાડ હોલિડે કેમ્પ, દીવ સહિતના પર્યટન સ્થળોને પ્રોત્સાહન આપવા અને વેપાર-ધંધા તેમજ રોજગારી વધે તેને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય-રાજ્ય બહાર કે વિદેશ જતાં મુસાફરોની સરળતા માટે અઠવાડિયામાં ત્રણવાર એરલાઇન્સ એર એટીઆર 72 વિમાન અમદાવાદ-કેશોદ-દીવની ઉડાન ભરશે.
એરપોર્ટથી સોમનાથ મંદિર સુધી નિઃશુલ્ક બસ સુવિધા
આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ તરફથી નિઃશુલ્ક પીકઅપ બસ સેવા પણ શરૂ કરવામાં આી છે. કેશોદ વિમાનમથક પર ઉતરતા યાત્રિકો અને શ્રદ્ધાળુઓને ઉત્કૃષ્ટ આતિથ્ય અનુભવ આપવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક એસી પીક-અપ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાથી મુંબઈ-કેશોદ ફ્લાઈટ અને નવી શરૂ કરવામાં આવેલી અમદાવાદ-કેશોદ ફ્લાઈટમાં આવનાર યાત્રાળુઓને આરામદાયક અને સુગમ મુસાફરીનો અનુભવ આપશે.
મુંબઈની ફ્લાઇટમાં પણ કરાયો વધારો
નોંધનીય છે કે, કેશોદ-મુંબઈ વચ્ચે જે ફ્લાઇટ શરૂ હતી, તેની ફ્રિક્વન્સીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પહેલાં કેશોદથી મુંબઈ જવા અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઇટ મળતી હતી, જે હવે ચાર દિવસ મળશે. કેશોદથી મુંબઈ જતી ફ્લાઇટ હવે રવિવાર, સોમવાર, બુધવાર અને શુક્રવારે મળશે. કેશોદ એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, મુંબઈ જતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 72 મુસાફરોની કેપેસિટી સાથે આ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.