વિધાનસભા ગૃહમાં આજે રસાકસીભર્યો માહોલ જોવા મળ્યો હતો. પહેલા ટી-20 મેચની ટિકિટનો મુદ્દો અને પછી જીતુ વાઘાણીની સોનિયા ગાંધી પર ટિપ્પણી. ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી પર શાબ્દિક પ્રહાર કરતા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે મંત્રી જીતુ વાઘાણીને લિમિટમાં રહેવાની ધમકી આપી હતી.
સોનિયા ગાંધી ઈમ્પોર્ટ થયેલા નેતા છે
આજે ધારાસભ્ય અરવિંદ પટેલે ફાઈનલની ટિકિટ ન મળી હોવાની વ્યથા વ્યક્ત કરી હતી. તો આ મુદ્દે કટાક્ષ કરતા આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા બોલ્યા હતા કે, પ્રજાના પ્રશ્નોની જગ્યાએ ટિકિટની વાત થાય છે. તો આ થોડી વાર બાદ મંત્રી જીતુ વાઘાણીએ માંગણીઓ પર ચર્ચા કરતા કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, સાતમી વખત વિધાનસભા જીત્યા છીએ અને આઠમી વખત પણ અમે જ જીતીશું. વિકાસ માટે એક્સપોર્ટ કરવું પડે એ કોંગ્રેસને ના ખબર પડે. કોંગ્રેસના નેતા ઈમ્પોર્ટ થઈને આવ્યા છે. સ્વદેશી નેતા નરેન્દ્ર મોદી જોઈએ. સોનિયા ગાંધી ઈમ્પોર્ટ થયેલા નેતા છે.
તો કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે મંત્રી જીતુ વાઘાણીને આ નિવેદનના જવાબમાં ‘લિમિટમાં રહો’ તેવું સંભળાવી દીધું હતું. માંગણીઓ પરની ચર્ચા દરમિયાન શૈલેષ પરમારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને કહ્યું કે, લિમિટમાં રહો. લિમિટમાં રહો નહીં તો મારે પોઇન્ટ ઓફ ઓર્ડર ઊભો કરવો પડશે.
હું પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીશ તો બધું રેકોર્ડ પર નોંધાશે.
ઉલ્લેખનીય છે કે, જીતુ વાઘાણી વારંવાર સોનિયા ગાંધીનું નામ લઈને કટાક્ષ કરતા હતા. વિદેશી અને સોનિયા ગાંધીનું નામ લેતા શૈલેષ પરમારે તેઓને શાબ્દિક ધમકી આપી હતી.
ક્રિકેટ ટીમની ટી શર્ટ પહેરવાની સાચા દેશભક્ત ન થવાય – જીતુ વાઘાણી
તો જીતુ વાઘાણી આટલેથી અટક્યા ન હતા. વિધાનસભામાં માંગણીઓ પર ચર્ચા દરમિયાન મંત્રી જીતુ વાઘાણીએ જવાબ રજૂ કરતા આગળ કહ્યું હતું કે, યુવાનોને ભૂતકાળમાં ઘણું કરવું હતું પણ સુવિધા ન હતી. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મહત્વના વિભાગો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વર્તમાન બજેટમાં ઐતિહાસિક જોગવાઈઓ સરકારે કરાઈ છે. સનાતન ધર્મના મંદિરોના વિકાસ માટે 1 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે. લઘુમતી સમાજના રાજકારણ માટે દરગાહના વિકાસની વાત મૂકી છે. મતોના રાજકારણ માટે વાત કોંગ્રેસ મૂકી રહી છે. સનાતન ધર્મ માટે ખૂલીને બોલતા નથી. ભારતની જીત થાય અને ક્રિકેટ ટીમની ટી શર્ટ પહેરવાની સાચા દેશભક્ત ન થવાય. દેશભક્તિ હ્રદયમાં હોવી જોઈએ.
ટી શર્ટ પહેરવાની સાચા દેશભક્ત ન થવાય
મહત્વનું છે કે, ગઈકાલે ઈમરાન ખેડાવાલા ટીમ ઈન્ડિયાની ટી શર્ટ પહેરીને વિધાનસભા ગૃહમાં આવ્યા હતા. ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારતની જીત થતા તેઓ ટીમ ઈન્ડિયાની જીતની ખુશીમાં ટી શર્ટ પહેરીને ગૃહમાં પહોંચ્યા હતા. ત્યારે આ મુદ્દાને ટાંકીને કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પર મંત્રી જીતુ વાઘાણીએ પ્રહાર કર્યો હતો, અને કહ્યુમ હતું કે, ભારતની જીત થાય અને ક્રિકેટ ટીમની ટી શર્ટ પહેરવાની સાચા દેશભક્ત ન થવાય. દેશભક્તિ હ્રદયમાં હોવી જોઈએ.