Rakshabandhan Jewelry Trends: ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજવતો રક્ષાબંધનનો તહેવાર સોની બજાર માટે આ વર્ષે અત્યંત ફળદાયી સાબિત થયો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચતા વર્ષની શરૂઆતથી સોની બજારમાં મંદીનો માહોલ હતો. હાલમાં સોનાનો પ્રતિ તોલા ભાવ રૂ. 1.66 લાખ અને ચાંદીનો પ્રતિ કિલો ભાવ રૂ. 2.59 લાખ સુધી પહોંચી ગયો છે. આમ છતાં, ભાવવધારા વચ્ચે સોનું-ચાંદી ન ખરીદવા કરાયેલી અપીલને કોઈ પ્રતિસાદ મળ્યો નથી અને રક્ષાબંધનના પગલે છેલ્લા 15 દિવસથી અમદાવાદની સોની બજારમાં ગ્રાહકોની ભારે પડાપડી જોવા મળી રહી છે.
લેબગ્રોન અને અમેરિકન ડાયમંડવાળી રાખડીનો ટ્રેન્ડ
રક્ષાબંધન પર્વને હવે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે મોતી, સ્ટોન, રંગબેરંગી દોરા અને લાઈટવાળી રાખડીઓની સાથે સોના-ચાંદીની રાખડીઓની માંગ પણ વધી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે રૂ. 5,000 સુધીની ચાંદીની રાખડીઓની સૌથી વધુ માંગ છે. તેમાં પણ ખાસ કરીને લેબગ્રોન અને અમેરિકન ડાયમંડવાળી ડિઝાઈન ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહી છે. માત્ર ચાંદી જ નહીં, પરંતુ કેટલાક ગ્રાહકો સોનાની રાખડીઓ પણ પસંદ કરી રહ્યા છે.
9 કેરેટ ગોલ્ડના દાગીના મધ્યમ વર્ગની પહેલી પસંદ
24 અને 22 કેરેટ સોનાની કિંમતો ખૂબ ઊંચી હોવાથી મધ્યમ વર્ગીય પરિવારો માટે તેને ખરીદવું મુશ્કેલ બની ગયું છે. છતાં ભાઈ-બહેન એકબીજાને યાદગાર અને લાંબો સમય સાચવી શકાય તેવી ભેટ આપવા માંગતા હોવાથી હવે 9 કેરેટ ગોલ્ડમાં બનતા બ્રેસલેટ, બુટ્ટી અને વીંટી જેવા નાના દાગીના ગ્રાહકોની પહેલી પસંદ બન્યા છે.
સોના-ચાંદીની કિંમતી ભેટોનું ધૂમ વેચાણ
ગિફ્ટિંગની વાત કરીએ તો માર્કેટમાં રૂ. 5,000થી રૂ. 25,000 સુધીની ચાંદી અને સોનાની ભેટની માંગ ખૂબ વધારે છે. આ ઉપરાંત, રૂ. 50,000થી રૂ. 1 લાખ સુધીના સોનાના દાગીના અને અન્ય કિંમતી ગિફ્ટ્સ ખરીદનારા ગ્રાહકોની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી રહી છે. તહેવારોના આ માહોલમાં ગ્રાહકોની સતત અવરજવરથી સોની બજારના વેપારીઓએ ભારે રાહતનો શ્વાસ લીધો છે.