અમદાવાદ સિટી DEO રોહિત ચૌધરીના જણાવ્યા અનુસાર, આશલોક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ શાળામાં વર્ષ 2021થી હાઈકોર્ટનો સ્ટે હોવાને કારણે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા અટકેલી છે, જેના પરિણામે અંદાજે 8000 જેટલા ગરીબ વિદ્યાર્થીઓ મફત શિક્ષણ મેળવવાથી વંચિત રહ્યા છે અને તેમની જગ્યાએ નોન-RTE વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને 19 કરોડ રૂપિયાથી વધુની ફી એકત્રિત કરવામાં આવી હોય તેવું જણાય છે. અમારી તપાસ સમિતિ દ્વારા વારંવાર માંગવા છતાં શાળા અત્યાર સુધી પ્રાથમિક વિભાગનું માઈનોરિટી સર્ટિફિકેટ રજૂ કરી શકી નથી તેથી અમે આ તમામ આધારો નામદાર હાઈકોર્ટમાં રજૂ કરીશું અને કોર્ટના આદેશ મુજબ આગળની કાર્યવાહી કરીશું.
તેમણે વધુમાં જણાવ્યું કે, શાળામાં 11,000 જેટલા વિદ્યાર્થીઓ હોવા છતાં એસસી, એસટી, ઓબીસી અને માઈનોરિટી સ્કોલરશિપના ફોર્મ ભરવામાં પણ ઉદાસીનતા જોવા મળી છે, જેથી મેં આચાર્યને તાત્કાલિક અસરથી તમામ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાવવા અને વાલીઓને માહિતગાર કરવા કડક સૂચના આપી છે.