સુરતમાં ફરી વખત વિદેશની ઘેલછામાં 100 થી વધારે લોકો છેતરપિંડીનો શિકાર બન્યા છે. વિદેશમાં વર્ક પરમિટ અપાવવાના બહાને કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના વિઝા અપાવવાના બહાને લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા. મોટા વરાછા વિસ્તારમાં આરોપીએ ઓફીસ શરુ કરીને તેણે વર્ક વિઝાને લઈ કામકાજ શરુ કર્યા હતા. તેની આકર્ષક વાતો અને જાહેરાતને લઈ લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા.
જયદીપ પટેલે લાખો રુપિયા લોકો પાસેથી ખંખેર્યા હતા. ફર્નિચરના વેપારી કલ્પેશ પટેલે પોતાની પત્નિને કેનેડા મોકલવા માટે જયદીપનો સંપર્ક કર્યો હતો. જેમાં તેણે વર્ક પરમિટ અપાવવા સહિતની આકર્ષક વાતો કરી હતી. આ માટે તેણે 15 લાખની રકમમાંથી 10 લાખ ઓફિસે જમા કરવા અને 5 લાખ કેનેડા પહોંચીને જમા કરવા માટે બતાવ્યુ હતુ. આમ આવી રીતે સો જેટલા લોકોની પાસેથી તેણે પૈસા ઉઘરાવી લઈને ઓફીસ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. મામલો હવે પોલીસ મથકે પહોંચ્યો છે અને પોલીસે હવે ઘટના અંગે તપાસ શરુ કરી છે.