સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ-એટેક:છૂટાછેડાના કેસ માટે આવેલા વૃદ્ધે પત્ની પર એસિડ ફેંક્યું, પોતે પણ ઝેર ગટગટાવી લીધું

By: Nation Gujarat Team
13 Mar, 2026

સુરતની ફેમિલી કોર્ટમાં આજે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. હાલમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે કોર્ટ પરિચરમાં ભાગદોડ મચી જવા પામી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, છુટાછેડાના કેસ માટે આવેલાં વૃદ્ધે પત્ની પર એસિડ ફેંક્યું હતું. જે બાદ તેણે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બન્નેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલમાં બન્ને સારવાર હેઠળ છે. આ ઘટનાને નજરે જાનારા મહિલા વકીલ વર્ષા પટેલે જણાવ્યું કે, કૃષ્ણાબેન જોડે અમે આગળની હરોળમાં બેઠા હતા અને અમારી પાછળ આ જે બેન ઉપર એસિડ-એટેક થયો તે બેઠા હતાં. એમની પાછળ જ તેમના પતિ પણ બેઠા હતા. અચાનક અમારી પાછળથી ચીસાચીસ થઈ અને એસિડના છાંટા અમારી ઉપર પણ પડ્યાં. થોડી બળતરા થવા જેવું લાગ્યું અને એસિડની સ્મેલ આવી એટલે પાછળ ફરીને અમે જોયું, તો પેલા હસબન્ડે મહિલા પર બોટલથી એસિડ નાખી રહ્યા હતા. એમના મોઢા પર એસિડ પડ્યું હતું અને એ બેનની એક તરફની આંખ બંધ થઈ ગઈ હતી. અમને છાંટા ઉડ્યા એટલે જે-તે ટાઈમે થોડી બળતરા થઈ હતી, અત્યારે કંઈ નથી.


Related Posts

Load more