સુરત ખાડી પૂર: હર્ષ સંઘવીની મોડીરાત્રે હાઈલેવલ બેઠક, 800થી વધુ પરિવારોને કેશડોલ-ઘરવખરી સહાય ચૂકવાઈ

By: Nation Gujarat Team
10 Jul, 2026

Surat News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 9 જુલાઈની મોડીરાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજીને પૂર રાહત અંગે જાહેરાતો કરી હતી. શહેરમાં અત્યાર સુધીમાં 9,100 પરિવારોનો સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે.પૂરથી પ્રભાવિત 800થી વધુ પરિવારોને ₹6,800 લેખે સહાય ચૂકવી દેવામાં આવી છે. બાકીના લોકો સુધી ઝડપથી સહાય પહોંચાડવા માટે ઇન્ચાર્જ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે અને ખાસ ટીમો બનાવવામાં આવી છે. સર્વે વ્યાપારી અને કોમર્શિયલ વિસ્તારોમાં થયેલા નુકસાન માટે પણ સર્વે હાથ ધરાશે. અત્યાર સુધીમાં 58 કોમર્શિયલ વિસ્તારો આવરી લેવાયા છે અને બાકીના વિસ્તારોને પણ ટૂંક સમયમાં આવરી લેવામાં આવશે.

અધિકારીઓ સાથે થયેલી આ ગહન ચર્ચાના રિપોર્ટના આધારે રાજ્ય સરકાર પૂર પ્રભાવિતો માટે ટૂંક સમયમાં મોટા નુકસાની પેકેજની જાહેરાત કરી શકે છે. પૂર ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે મનપાની અલગ-અલગ ટીમો કાર્યરત છે. હાલ 2,000 સ્વચ્છતા દૂતો કામ કરી રહ્યા છે. જેમાં વધુ 1,500 જેટલા કર્મચારીઓ ઉમેરીને આ સંખ્યા 4,000થી વધુ કરવામાં આવશે. ઇન્ટરનલ રોડની સફાઈ માટે જેવીબી (JVB) મશીનો દ્વારા સડેલું અનાજ અને કચરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે.

પ્રભાવિત વિસ્તારોમાં પાણી આપવાનો સમય વધારી દેવાયો છે. હવે લોકોને ડબલ સમય પાણી મળશે. પાણીના નિકાલ માટે વધારાના 50 પંપ મંગાવવામાં આવ્યા છે. DGVCL અને ટોરેન્ટ પાવરના અધિકારીઓ સાથેની બેઠક બાદ, માત્ર 6 સોસાયટીઓને બાદ કરતાં સમગ્ર શહેરમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. વીમાના ક્લેમ વહેલી તકે પાસ થાય તે માટે ઓનલાઇન ડેસ્ક બનાવવામાં આવ્યું છે અને ખાસ ઇન્ચાર્જ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.

સુરતવાસીઓની પ્રશંસા અને આગામી એક્શન પ્લાન
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરતના નાગરિકોએ આ મુસીબતનો સામનો ખૂબ જ ધીરજ અને સારી રીતે કર્યો છે. વહીવટી તંત્ર આગામી 72 કલાક સુધી દિવસ-રાત જાગીને કામ કરશે. કલેક્ટર કચેરીની બેઠક પૂર્ણ કર્યા બાદ, નાયબ મુખ્યમંત્રી મોડી રાત્રે જ પૂર પ્રભાવિત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લેવા અને સ્થિતિનો તાગ મેળવવા માટે રવાના થયા હતા.

બાકી રહેલી સોસાયટી કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર પર સંપર્ક
દરેકને સહાય મળી રહે તે માટે સુરત શહેરના તમામ ઝોનલ અધિકારીઓને ઇન્ચાર્જ તરીકે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. જો હજુ પણ કોઈ સોસાયટી કે વિસ્તાર રહી ગયો હોય તો ત્યાં તાત્કાલિક ટીમ મોકલવાની સૂચના અપાઈ છે. કોઈપણ રહી ગયેલી સોસાયટી કે નાગરિક કલેક્ટર કચેરી ખાતે ઊભા કરાયેલા કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરીને પોતાના વિસ્તારની માહિતી આપી શકે છે, જેથી વહીવટી ટીમ તુરંત ત્યાં પહોંચીને સર્વેની કામગીરી પૂર્ણ કરશે.


Related Posts

Load more