છેલ્લા એક સપ્તાહથી શહેર-જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદી ઝાંપટાં પડી રહ્યાં છે. વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં મોડી રાતથી સવાર દરમિયાન ખાબકેલા બે ઇંચ વરસાદને પગલે સાંસરોદ, કોલિયાદ અને વલણ ગામમાં પાણી ફરી વળ્યાં હતાં. અનેક લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં હતાં, જ્યારે ખેતરો તળાવોમાં ફેરવાઇ ગયાં છે તો બીજી તરફ, સુરત શહેરમાં બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ હતી. એથી સ્માર્ટસિટીના પોશ વિસ્તાર અડાજણ, ભૂલકા ભવન ચોકમાં રોડ પર ગોઠણ સમા પાણી ભરાઈ ગયાં હતાં. પાણી ભરાવાને કારણે લોકો અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને કારણે જીવાદોરી ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક વધીને 41 હજાર પર પહોંચી છે. આ સાથે જ તાપી નદીની સપાટીમાં પણ વધારો થયો છે
છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેર-જિલ્લામાં 5 મિ.મી.થી 2 ઇંચ જેટલો વરસાદ સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષમાં નોંધાયો છે, જેમાં કરજણ પંથકમાં મોડી રાતથી સવાર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ તાલુકામાં હાહાકાર મચી ગયો હતો, જેમાં સાંસરોદ, કોલિયાદ અને વલણ ગામમાં મેઘરાજા મન મૂકીને વરસતાં આ ગામના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયાં હતાં, જેના પગલે ઘરવખરીના સામાનને ભારે નુકસાન થયું હતું. આ ગામોના રસ્તાઓ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાઇ જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.