સુરતમાં 10 લાખની લાંચ મુદ્દે બે કોર્પોરેટર વિરૂદ્ધ ફરિયાદ, અધિકારીઓ સામે ઝીરો એક્શન

By: nationgujarat
03 Sep, 2024

Surat Corruption : સુરત નગરપાલિકાના પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસેથી 10 લાખ રૂપિયાની લાંચની માંગણીના કિસ્સામાં સુરતમાં  બે કોર્પોરેટરો સામે ગુનો નોંધાયો છે. જેમાં ACB (Anti Corruption Bureau) એ પુરાવાની તપાસ કરીને લાંચ માંગનાર કોર્પોરેટરો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. જોકે, આ સમગ્ર કિસ્સામાં નગરપાલિકાના અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ છે. વરાછા ઝોનના આસી. કમિશ્નરની ઓફિસમાં બેઠક કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, છતાં હજુ સુધી પાલિકાના અધિકારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

કોન્ટ્રાક્ટર પાસે માંગી લાંચ

મહાનગરપાલિકાના મગોબ ગામની સીમમાં આવેલા ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 53 ના ફાઇનલ પ્લોટ નં. 88 માં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવી છે. જેના માટે પાલિકાએ હિતેશ સવાણી નામના વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જ્યાં કોર્પોરેટર જીતુ કાછડીયા અને વિપુલ સુહાગિયા આવ્યા હતાં. તેઓએ પાર્કિંગના માણસો દ્વારા રસોડાનો સામાન મુક્યો હોય તેવા ફોટા પાડ્યા હતાં અને કોન્ટ્રાક્ટરના માણસો સાથે ઝઘડો પણ કર્યો હતો. ત્યારબાદ સમાધાન માટે પાર્કિંગના અન્ય કોન્ટ્રાક્ટર ભાવેશ જસાણીને મોકલ્યો ત્યારે પતાવટ માટે 11 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

કોન્ટ્રાક્ટરે પૈસા આપવાની ના પાડતા જીતુ કાછડીયાએ વરાછા ઝોનના આસી. કમિશ્નર ડી. યુ રાણેને બોલાવ્યા, જ્યાં વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેર કે. એલ વસાવા પણ હાજર રહ્યા હતાં. અધિકારી અને કોર્પોરેટરો સાથે હતાં ત્યારે કોન્ટ્રાક્ટરને પાંચ દિવસમાં 10 લાખ રૂપિયા મોકલવાની વાત કરવામાં આવી.

કોર્પોરેટર સામે નોંધાયો ગુનો

આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરે અમદાવાદ ACB માં AAP ના કોર્પોરેટ જીતુ કાછડીયા અને વિપુલ સુહાગિયા સામે ફરિયાદ કરી, જેમાં પુરાવા રૂપે સીડી પણ આપવામાં આવી હતી. સીડીની પ્રાથમિક તપાસમાં આરોપી દ્વારા માંગવામાં આવેલી 10 લાખની લાંચની માંગણીને સમર્થન મળતાં ACB એ બંને કોર્પોરેટર સામે પ્રિવેન્શન ઑફ એન્ટી કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.

અધિકારી સામે કોઈ કાર્યવાહી કેમ નહીં? 

ગઈકાલથી ACB ની ટીમ દ્વારા આ કોર્પોરેટર સામે કાર્યવાહી થઈ રહી છે. જોકે, બીજી તરફ ફરિયાદમાં અધિકારીઓ સામે જે ગંભીર આક્ષેપ કરાયા હતાં તેની સામે કોઈ કાર્યવાહી થઈ રહી નથી. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે, સુરત નગરપાલિકાના અધિકારીઓની ઓફિસમાં લાંચની કામગીરી થતી હોવાની ફરિયાદ સામે પાલિકા તંત્ર હજુ કેમ ઊંઘી રહ્યું છે? આ સાથે શંકાના દાયરામાં હોવા છતાં અધિકારીઓ સામે હજું સુધી કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી?


Related Posts

Load more