ફરી એકવાર ઈ-બાઈકમાં બ્લાસ્ટ થવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરત શહેરમાં ઈ-બાઈકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આટલું જ નહીં નજીકના સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આગ લાગતા ઘરમાં ત્રણ લોકો ફસાયા હતા. જ્યારે વિસ્ફોટમાં ઘાયલ 18 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે. આગની ઘટનામાં એક વૃદ્ધ દાઝી ગયો છે. ફાયર વિભાગે ઘરમાં ફસાયેલા લોકોને બચાવી લીધા છે.
સુરતના લિંબાયત ગોડાદરામાં બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું છે. વિસ્ફોટમાં ઘાયલ 18 વર્ષની યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે. યુવતીનું સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ઘટનામાં ઘાયલ ત્રણ લોકો સારવાર હેઠળ છે.
જ્યારે ઈ-બાઈક પાસે મુકેલા એલપીજી સિલિન્ડરમાં આગ લાગી હતી. જેના કારણે એલપીજી સિલિન્ડર પણ ફાટતા આગની જ્વાળાઓ જોવા મળી હતી અને સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.
આ સમગ્ર ઘટના દરમિયાન આગના કારણે લોકો બિલ્ડીંગમાં ફસાઈ ગયા હતા. ઘરના ત્રીજા માળે ત્રણ લોકો ફસાયા હતા. જેમાં એક મહિલા, એક બાળક અને એક વૃદ્ધ હતા. જ્યારે વૃધ્ધ આગમાં દાઝી ગયા હતા.ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.