ગુજરાતીઓનો પ્રિય તહેવાર નવરાત્રિ ઉત્સવ જેમ જેમ રાત પસાર થઈ રહી છે તેમ તેમ જામતો જાય છે. બીજી તરફ ગરબા ગ્રાઉન્ડના પાસ લઈને 9 દિવસ રમવાના આયોજનો કરનારા ખેલૈયાઓના અરમાનો પર પાણી ફરી વળ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. ઝણકાર નવરાત્રિમાં કીર્તિ સાગઠિયા સહિતના નામી કલાકારોની જમાવટ થતી હતી. જો કે, નવ દિવસની નવરાત્રિ 3 દિવસમાં જ આટોપી લેવાઈ હતી. જેથી ખેલૈયાઓ છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે. રૂપિયાના કારણે સમગ્ર નવરાત્રિ બંધ રહી છે. જેથી પાસ 7500માં ખરીદનારા હવે પસ્તાય રહ્યા છે.
ગ્રાઉન્ડ પર વાસ્તવિકતા દેખાઈ
ઉધના મગદલ્લા રોડ પર પ્રાઈમ શોપર્સ પાસે સી.આર ઝણકાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્ટિસ્ટ કીર્તિ સાગઠિયા ઉપરાંત મંડપ, ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, સિક્યોરીટી સહિતની એજન્સીઓના પેમેન્ટ નહીં ચૂકવાતા 3 દિવસમાં જ નવરાત્રી કાર્યક્રમ રદ્દ કરાયો હતો. પેમેન્ટ ન મળતા ચોથા નોરતે સાઉન્ડ સિસ્ટમ, મંડપ અને ડેકોરેશન એજન્સીઓએ પોતાનો સામન પેક કરી દીધો હતો. વિવિધ એજન્સીએ ઉઘરાણી કરતાં એક આયોજક સિવાય અન્ય પાર્ટનરો સ્થળ પરથી જતા રહ્યા હતા. ઓનલાઈન પાસ ખરીદનારા ખેલૈયાઓ ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યારે ખબર પડી હતી કે, આયોજન જ કેન્સલ થઈ ગયું છે. હદ તો ત્યારે થઈ કે, આયોજકોએ ચ્હા-પાણીના 7500 રૂપિયા પણ ચુકવ્યા ન હતા.
કીર્તિ સાગઠિયાની હૈયાવરાળ
ગાયક કીર્તિ સાગઠિયાએ કહ્યું કે,માત્ર પેમેન્ટની જ સમસ્યા નથી, પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી કરવામાં આવી નથી. અમારા અડધા આર્ટિસ્ટોની તબિયત ખરાબ થઈ ગઈ છે. તેઓ ઊલટી કરી રહ્યા હતા. અમારા સહિત તમામને અડધું જ પેમેન્ટ અપાયું છે. આજે અમે કાર્યક્રમ શરૂ કરી દઈએ તો કાલે લાઈટવાળા કહેશે મને પેમેન્ટ નહીં આપો તો લાઈટ શરૂ નહીં કરું તો અમે શું કરીશું. અમારી જે જરૂરિયાત હતી તેમાં પણ અમારે સમાધાન કરવું પડ્યું હતું. ડ્રમર સહિતના જે આર્ટિસ્ટો છે એ વર્ષમાં એકવાર કમાણી કરે છે. તેમના માટે પણ ગાડીની વ્યવસ્થા નથી કરાઈ. ગરબા પૂરા કરીને તેઓ હોટલ પર પગપાળા જાય છે.
રૂપિયા ખૂટી પડ્યાં
આયોજક રાજેશ જૈનએ કહ્યું કે, અમારા પાર્ટનરો પાસે રૂપિયા ખૂટી પડતા ગરબાનું આયોજન કેન્સલ કરવું પડ્યું છે. અત્યાર સુધીમાં એક પણ સ્પોન્સર પાસે રૂપિયા લીધા નથી. ચોથા નોરતે ટિકિટ બારી પણ ખોલી ન હતી. જેમણે ટિકિટો ઓનલાઈન બુક કરાવી છે તેમના રૂપિયા રિફન્ડ કરી દેવામાં આવશે.
ખેલૈયા વિલા મોઢે પાછા ફર્યા
ખૈલેયા મયુર મોદીએ કહ્યું કે, 1000 રૂપિયાના 2 પાસ ખરીદીને હું પત્ની અને બાળક સાથે સ્થળ પર પહોંચ્યો ત્યારે ડોમ ખાલી હતો. ગરબા રદ થઈ ગયા હતા. ખૈલેયા ગોપાલ ભરવાડે કે, 500 રૂપિયાની કિંમતના 23 પાસ ખરીદને ગ્રાઉન્ડ પર પહોંચ્યા, પરંતુ નવરાત્રી કેન્સલ થઈ હોવાથી અમે ખૈલેયાઓને બીજા સ્થળે મોકલી આપ્યા છે.ડોમ બનાવનાર આશિષભાઈએ કહ્યું હતું કે, મને પેમેન્ટ લેવા ખાસ દિલ્હીથી બોલાવ્યો. સુરત પહોંચ્યો તો પેમેન્ટ ન આપ્યું.