Surat News : ગુજરાતનું ભવિષ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે તેના પર હવે ચિંતા અને મંથન કરવાની જરૂરી છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સુરતમાં બની છે. સુરતના પાંડેસરાની શાળામાં વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરાયો હતો. શાળામાં નાચવા જેવી બાબતે થયેલા વિવાદ બાદ 4 વિદ્યાર્થીઓએ ધોરણ-10ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાના બે પેપર બાકી છે. ચોંકાવનારી બાબત એ છે કે, વિદ્યાર્થીઓએ ઓનલાઈન ચપ્પુ મંગાવીને હુમલો કર્યો હતો. પોલીસે 4 વિદ્યાર્થીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધીને તપાસ કરી છે.
સુરત પાંડેસરા વિસ્તારની ઘટના સામે આવી છે. ગેલેક્સી આર્મી સ્કૂલમાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓનો એન્યુઅલ ફકશન હતું. જેમાં સ્કૂલમાં નાચવા બાબતે કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ થયો હતો. વિવાદને લઈ ચાર વિદ્યાર્થીઓએ મળીને ધોરણ 10 ના વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પાંડેસરા પોલીસે ચાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે.
ઈજાગ્રસ્ત ધોરણ-10 ના વિદ્યાર્થીની હજી બોર્ડની પરીક્ષાના બે પેપર બાકી છે. એક પેપર આજે અને અન્ય પેપર 18 માર્ચે છે. ચોંકાવનારી બાબત એ છે કે, હુમલો કરનાર વિદ્યાર્થી દ્વારા ચપ્પુ ઓનલાઈન મંગાવવામાં આવ્યું હતું, જેના દ્વારા તેણે હુમલો કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ગેલેક્સી આર્મી સ્કૂલમાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓનો એન્યુઅલ ફંકશન હતું. ઈજાગ્રસ્ત તેની બહેનને લઈને ગયો હતો. જેમાં ડાન્સ બાબતે ઈજાગ્રસ્તના મિત્રની બબાલ થઈ હતી. બબાલ ન કરવા જણાવતા બોલાચાલી થઈ હતી. ‘નાચતી વખતે ખૂબ જ દમખમ બતાવતો હતો, હવે તારો દમ બતાવ’ તેવું કહી હુમલો કરાયો હતો.
અમદાવાદમાં પણ બની બીજી ઘટના
અમદાવાદના બાપુનગરમાં ફરી એકવાર વિદ્યાર્થી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયાની ઘટના બની છે. ટ્યુશન ક્લાસના અન્ય રૂમમાં બેસવાનું કહેતા હુમલો કરાયો હતો. ટ્યુશન ક્લાસથી છૂટ્યા બાદ સહવિદ્યાર્થીએ હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારથી થયેલ હુમલામાં વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો. જેના બાદ બાપુનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.