સુરતના મંદિરના બાથરૂમમાંથી બે યુવતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા, ઇન્જેક્શન અને દવા પણ મળી આવી

By: Nation Gujarat Team
07 Mar, 2026
સુરત: શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.
મૃતકનું ટુ વ્હીલર મંદિરની બહારથી મળ્યું

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, શુક્રવારે 06/03/2026 ના રોજ બે યુવતી રાબેતા મુજબ સવારે કોલેજમા અભ્યાસ કરવા ગયા બાદ બપોર સુધી ઘરે પરત નહી આવતા. તેમના પરિવારજનો તથા પોલીસે શોધખોળ હાથ ધરી હતી. જે બાદ પોલીસે તકનીકી માધ્યમથી લોકેશન મેળવતા તા 07/03/2026 ના રોજ સણીયા ગામના સ્વામિનારાયણ મંદિરના પરિસરમાંથી મરણ જનાર છોકરીઓની સ્કૂટી મળી આવી હતી.
સીસીટીવીમાં અનેક ખુલાસા

જે બાદમાં સીસીટીવી ચેક કરતા બન્ને છોકરીઓ બાથરૂમ તરફ જતા દેખાઈ હતી. તથા પોતાની જાતે બાથરૂમ અંદરથી બંધ કરતા હોય તેવું ફૂટેજમાં દેખાઈ રહ્યું છે. જે બાદ બાથરૂમનો દરવાજો તોડતા બંને છોકરીઓ બાથરૂમમાંથી કોઈ અગમ્ય કારણોસર મરણ હાલતમાં મળી આવી હતી. બનાવવાળી જગ્યા પરથી ઇન્જેક્શન તથા દવાની ત્રણ બોટલો મળી આવી હતી. જેમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી. પરિવારના સભ્યો સતત ફોન કરી રહ્યા હતા પરંતુ મોબાઈલ પણ આ લોકો ઉપાડતા ન હતા. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને યુવતીઓના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. આ મોત આકસ્મિક છે કે આત્મહત્યા કે અન્ય કોઈ કારણ, તે જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts

Load more