સુરતના ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઉભરાયું18,000થી વધુ પરપ્રાંતીયો 5 સ્પેશિયલ ટ્રેનમાં વતન રવાના

By: Nation Gujarat Team
01 Mar, 2026

હીરાનગરી અને ટેક્સટાઈલ હબ તરીકે જાણીતું સુરત શહેર આજે ફરી એકવાર મિની ભારતનો નઝારો રજૂ કરી રહ્યું છે. હોળી અને ધુળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં રોજગારી અર્થે વસતા પરપ્રાંતીય શ્રમિકો અને કારીગરોમાં પોતાના વતન પહોંચવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા અભૂતપૂર્વ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

આજે 1 માર્ચને રવિવારના વહેલી સવારથી જ ઉધના રેલવે સ્ટેશન ‘મિની બિહાર’માં ફેરવાઈ ગયું હતું. હજારોની સંખ્યામાં લોકો પોતાના પરિવાર અને સામાન સાથે વતન જવા માટે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા.

અંત્યોદય એક્સપ્રેસ’માં સૌથી વધુ ભીડ જોવા મળી શ્રમિક વર્ગ માટે આશીર્વાદ સમાન ગણાતી ‘અંત્યોદય એક્સપ્રેસ’માં આજે સૌથી વધુ ભીડ જોવા મળી હતી. આ સંપૂર્ણ જનરલ કોચ ધરાવતી ટ્રેનમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. તેવી જ રીતે, આધુનિક સુવિધાઓથી સજ્જ ‘અમૃત ભારત’ ટ્રેનમાં પણ મુસાફરોનો ભારે ધસારો રહ્યો હતો. રેલવે સુરક્ષા દળ અને જીઆરપીના જવાનોએ શાંતિપૂર્ણ રીતે લોકોને ટ્રેનમાં બેસાડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

વધારાના કોચ અને સ્પેશિયલ ટ્રેનોનું આયોજન ડી.આર.એમ. પંકજ સિંહે વધુમાં ઉમેર્યું હતું કે, અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. જો મુસાફરોની સંખ્યા હજુ વધશે, તો અમારી પાસે વધારાના કોચ (રેક) મેન્ટેનન્સ સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. જરૂર પડ્યે તાત્કાલિક ધોરણે વધારાની સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે.

સાંજના સમયે રક્સૌલથી આવતી ટ્રેનો જે અહીંથી પરત ફરવાની છે, તેમાં પણ મુસાફરોને વતન મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉધના સ્ટેશન પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્ય અને હેલ્પ ડેસ્ક જેવી સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે જેથી કરીને આ કાળઝાળ ગરમીમાં મુસાફરોને હાલાકી ન ભોગવવી પડે.

તહેવાર તો પરિવાર સાથે જ ઉજવવાની મજા આવેઃ મુસાફર વતન જઈ રહેલા એક મુસાફરે જણાવ્યું કે, સુરત અમને રોજીરોટી આપે છે, પણ હોળીનો તહેવાર તો વતનમાં પરિવાર અને મિત્રો સાથે જ ઉજવવાની મજા આવે છે. ટ્રેનમાં ભીડ તો ઘણી છે, પણ રેલવેની આ સ્પેશિયલ ટ્રેનોને કારણે અમને ટિકિટ મળી ગઈ અને અમે ઘરે પહોંચી શકીશું તેનો આનંદ છે.

રેલવેના પ્લાનિંગથી અંધાધૂંધી ટળી સુરતના કાપડ ઉદ્યોગ અને બાંધકામ ક્ષેત્રે જોડાયેલા હજારો શ્રમિકો દર વર્ષે હોળી પર સામૂહિક રીતે વતન જાય છે, જેના કારણે સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન પર દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. જોકે, આ વર્ષે રેલવે તંત્રએ એડવાન્સ પ્લાનિંગ કરીને અંધાધૂંધી ટાળવાનો પૂરો પ્રયાસ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી અને છઠ પર જે રીતે મુસાફરોની લાઈનો લાગી હતી તેના પરથી બોધ પાઠ લઈને હોળી અને ધુળેટીના તહેવાર પર આગોતરું આયોજન કરીને રેલવે વિભાગે સરળતાથી લોકો અને પોતાના માર્ગરે વતન રવાના કર્યા હતા.


Related Posts

Load more