સાબરમતીમાં કૂદતા યુવકનો JCB પર ચડી અમદાવાદીઓએ જીવ બચાવ્યો

By: Nation Gujarat Team
26 Nov, 2025

અમદાવાદની સાબરમતી નદીમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનો લોકોએ જીવ બચાવ્યો છે. વાડજના દધીચિ બ્રિજ પર ગઇકાલે(25 નવેમ્બર) રાત્રે એક યુવક બ્રિજની રેલિંગ કૂદીને નદીમાં આપઘાત કરવાનો પ્રયાસ કરવા જતો હતો, પરંતુ ત્યાં હાજર લોકોએ તેને પકડી લીધો હતો. યુવક બ્રિજની પાળી પર લગાવેલી જાળી ક્રોસ કરી નદીમાં કૂદવા જ જતો હતો. આ દરમિયાન હાજર લોકોએ તેને પકડી તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જોકે ફાયરબ્રિગેડ આવે ત્યાં સુધીમાં ત્યાંથી પસાર થતા એક JCBને હાજર લોકોએ બ્રિજની નજીક લાવી તેના પર ચડીને યુવકને ઉપર ખેંચી બચાવી લીધો હતો.

દધીચિ બ્રિજની રેલિંગ ઉપર ચડીને નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ શહેરના વાડજ વિસ્તારમાં સાબરમતી નદી પર આવેલા દધીચિબ્રિજ ઉપર ગઈકાલે રાત્રે 8:45 વાગ્યાની આસપાસ એક યુવક બ્રિજની રેલિંગ ઉપર ચડીને બ્રિજ પરથી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કરવા જતો હતો. આ દરમિયાન બ્રિજ ઉપરથી પસાર થતાં લોકોએ તે યુવકને તરત જ પકડી લીધો હતો.

બ્રિજની જાળીની એક તરફ આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને બીજી તરફ બચાવનાર આ દરમિયાન જીવ સટોસટનાં દૃશ્યો સર્જાયાં હતાં. એક તરફ નદીમાં બ્રિજની જાળી પર આપઘાતનો પ્રયાસ કરનાર યુવક લટકી રહ્યો હતો તો બીજી તરફ બ્રિજ ઉપર તેને બચાવનાર લોકો યુવકને પકડીને ઊભા હતા. જો યુવક કોઈપણ રીતે પોતાની જાતને છોડાવી નદીમાં કૂદી ગયો હોત તો કોઈ અઘટિત ઘટના બની જાત.

નદીમાં કૂદી ના જાય એ માટે લોકોએ યુવકને કપડાં વડે બાંધી દીધો યુવક નદીમાં કૂદી ના જાય તે માટે લોકોએ તેને કપડાં વડે બાંધી દીધો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતા લોકો પણ બે ઘડી થંભી ગયા હતા અને મદદે આવ્યા હતા. દધીચિબ્રિજ પર અફરાતફરીની સ્થિતિ વચ્ચે લોકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં.

ફાયરબ્રિગેડને જાણ કરાતાં જ એક રેસ્ક્યૂ બોટ દધીચિબ્રિજ તરફ રવાના કરાઈ આ દરમિયાન કેટલાક લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી. જેવી જાણ થઈ એવી તરત જ એક રેસ્કયૂ બોટને તાબડતોડ દધીચિબ્રિજ તરફ રવાના કરાઈ હતી.

જીવ સટોસટની સ્થિતિ વચ્ચે JCB નીકળ્યું એક તરફ યુવક નદીની ઉપર જાળી પર લટકી રહ્યો હતો, તો બીજી તરફ બ્રિજ પર ઉભેલા લોકો તેને કોઈ પણ રીતે પકડી રાખ્યો હતો. પરંતુ આ સ્થિતિ લાંબી ચાલે તેમ નહોતી. આ દરમિયાન બ્રિજ પરથી એક JCB જાણે કે ભગવાને મોકલ્યું હોય એમ પસાર થાય છે.

JCBને રોકી તેની મદદથી યુવકને બચાવવાનો નિર્ણય બસ પછી શું ત્યાં હાજર કેટલાક લોકોએ સમય સૂચકતા વાપરી ફાયરબ્રિગેડની રાહ જોયા વિના JCBને રોકી તેની મદદથી યુવકને બચાવવાનો નિર્ણય લીધો.

JCB પર ત્રણ યુવક ચડે છે અને એક યુવક બ્રિજની રેલિંગ પર ચડે છે JCBનો આગળનો ભાગ બ્રિજની રેલિંગ પર હોય એવું વીડિયોમાં જોઈ શકાય છે. બાદમાં JCB પર ત્રણ યુવક ચડે છે અને એક યુવક જીવના જોખમે બ્રિજની રેલિંગ પર ચડે છે. આમ સાવચેતીપૂર્વક યુવકને પકડી રેલિંગ કુદાવી બ્રિજ તરફ લાવવામાં આવે છે.

જીવના જોખમે રેસ્કયૂ કરનારા યુવકોને તાળીઓથી વધાવી લીધા યુવક સહીસલામત બ્રિજ પર આવતા જ ત્યાં હાજર લોકોના ટોળાએ જીવના જોખમે રેસ્કયૂ કરનાર યુવકોને તાળીઓથી વધાવી લીધા હતા.

લોકો આપઘાત ન કરે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશને નદી પરના તમામ બ્રિજ પર રેલિંગ લગાવી છે ઉલ્લેખનીય છે કે સાબરમતી નદીમાં કૂદીને લોકો આપઘાત ન કરે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી પર આવેલા તમામ બ્રિજ ઉપર રેલિંગ લગાવવામાં આવી છે, છતાં પણ કેટલાક લોકો રેલિંગના ઉપર ચડી અને ત્યાંથી નીચે નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કરે છે. અગાઉ પણ દધીચિબ્રિજ ઉપર આ જ પ્રમાણે આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી હતી, તથા કેટલાક લોકો કૂદી ગયા હોય તેવા બનાવ પણ સામે આવ્યા છે.


Related Posts

Load more