Stock market Crash | અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક કડાકાની અસર હવે ભારતીય શેરબજારમાં પણ દેખાઈ રહી છે. ભારતીય શેરબજાર ખુલતાંની સાથે જ સેન્સેક્સમાં 1100 થી વધુ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 330થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જેના લીધે રોકાણકારોને મોટું નુકસાન થયું હતું. જ્યારે બેન્ક નિફ્ટીની વાત કરીએ તો એમાં પણ 750થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો. હાલમાં સેન્સેક્સ રિકવરી મોડમાં દેખાઈ રહ્યો છે અને તે 722 પોઈન્ટના કડાકા સાથે 79459 પર જ્યારે નિફ્ટી 214 પોઈન્ટના કડાકા સાથે 23984 પર ટ્રેડ થઈ રહી છે. નિફ્ટીએ 24 હજારની સપાટી ગુમાવી દીધી છે.
અમેરિકાના બજારમાં શું થયું?
અમેરિકાની ફેડરલ બેન્કે ગત રાતે વ્યાજદરોમાં 0.25% બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની સાથે હજુ બે વખત વ્યાજદરોમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા હતા. જેના લીધે બજારનો મૂડ બગડ્યો અને અમેરિકન માર્કેટમાં મોટો કડાકો બોલાઈ ગયો. જેની સીધી અસર ભારતીય શેરબજારમાં જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સના ટોપ 30 શેર્સમાં બે શેર સિવાય તમામ શેર્સમાં કડાકો બોલાઈ ગયો છે. સૌથી મોટો કડાકો ઈન્ફોસિસના શેર્સમાં બોલાયો હતો. જ્યારે નિફ્ટી 50ના 47 શેર્સની હાલત ખરાબ દેખાઈ રહી છે. એશિયન પેઈન્ટ્સના શેર્સ પણ 2 ટકાથી વધુ તૂટી ગયા છે.