શિક્ષકોને શ્વાન ગણવાની કામગીરી સોંપતા શૈક્ષિક મહાસંઘ મેદાને આવ્યું છે. શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મિતેષ ભટ્ટએ જણાવ્યું કે, અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘનું સ્પષ્ટ માનવું છે કે જ્યારે BLO ની કામગીરી જ્યારે સોંપવામાં આવી ત્યારે શરૂઆતમાં વર્ષમાં 3 દિવસની કામગીરી સોપવામાં આવી હતી. પછી એ ધીરે ધીરે કામગીરી વધારવામાં આવતી હોય છે. અમારું સ્પષ્ટ માનવું છે કે, આવી શિક્ષણ સિવાયની કામગીરી શિક્ષકોને ન સોંપવામાં આવે. ભૂતકાળમાં અમે વહીવટી પંચ સમક્ષ અલગ કેડર બનાવવાની માંગ કરી છે. સરકારે પણ આ મામલે ગંભીરતાથી વિચારવું જોઈએ. જો આ પ્રકારની કામગીરી ફરજીયાત સોંપવામાં આવશે તો અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ તેનો વિરોધ કરશે.
બીજીતરફ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત પ્રચાર અધ્યક્ષ રાકેશકુમાર ઠાકરે જણાવ્યું કે, જે શિક્ષકોના કાર્યક્ષેત્રનું ન હોય તેવી કામગીરી શિક્ષકોને સોંપવામાં આવતી હોય છે. સરકાર બદનામ થાય તે માટે કેટલાક લોકો આવા પરિપત્ર કરવાના વિચારો મૂકે છે. આ પરિપત્રથી શિક્ષકોના સન્માન ને ઠેસ પહોંચે છે. સરકારે આ બાબતે ચોક્કસ વિચારવું જોઈએ. મહત્વનું છે કે, વર્ષ 2024માં ગુજરાતમાં તલાટીઓને કૂતરા પકડવાની કામગીરી સોંપવાનો વિવાદિત આદેશ પાછો ખેંચાયો હતો.