શાકભાજીના બિયારણ પર મળશે 24,000ની સબસિડી, જાણો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

By: Nation Gujarat Team
30 Mar, 2026
અમરેલી જિલ્લામાં પરંપરાગત ખેતીની સાથે હવે બાગાયતી પાકોનો ક્રેઝ વધી રહ્યો છે. હાઈબ્રિડ બિયારણોના ઉપયોગથી ખેડૂતો ઓછા સમયમાં વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ખાસ સબસિડી યોજના જાહેર કરવામાં આવી છે. બાગાયત વિભાગના અધિકારી કે.એમ. કરમુરના જણાવ્યા અનુસાર, 15 જેટલા શાકભાજી પાકો માટે હેક્ટર દીઠ 24000 સુધીની સહાય મળવાપાત્ર છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ, તો 27 એપ્રિલ 2026 પહેલા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.
અમરેલી: અમરેલી જિલ્લામાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી સાથે બાગાયત પાક તરફ વધુ વળ્યા છે. ખાસ કરીને શાકભાજીનું વાવેતર કરીને ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે. બજારમાં શાકભાજીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ઉત્સાહ વધ્યો છે અને નવી ટેકનોલોજી સાથે ખેતી કરવાની પ્રવૃત્તિમાં પણ વધારો થયો છે.હાલમાં હાઈબ્રિડ બિયારણના ઉપયોગથી ઉત્પાદન ક્ષમતા વધી છે, જેના કારણે ખેડૂતોને ઓછા સમયમાં વધુ પાક મળે છે. આ બિયારણો રોગપ્રતિકારક શક્તિ ધરાવતા હોવાથી પાકની ગુણવત્તા પણ સારી રહે છે. પરિણામે બજારમાં સારી કિંમત મળવાથી ખેડૂતોને આર્થિક રીતે મજબૂતી મળી રહી છે.
બાગાયત વિભાગના અધિકારી કે.એમ. કરમુરએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં બાગાયત પાકનો વ્યાપ સતત વધી રહ્યો છે અને અમરેલી જિલ્લામાં પણ ખેડૂતો મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સબસિડી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.ખાસ કરીને હાઈબ્રિડ શાકભાજી બિયારણ માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. આ યોજના હેઠળ કુલ 15 પ્રકારના શાકભાજી પાકોને આવરી લેવામાં આવ્યા છે. ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા 60,000ના યુનિટ કોસ્ટ સામે રૂપિયા 24,000ની સહાય આપવામાં આવે છે. આ સહાય ખેડૂતો માટે મોટી રાહત સાબિત થઈ રહી છે અને વધુ ખેડૂતોને આધુનિક ખેતી તરફ આકર્ષિત કરી રહી છે.
ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન નોંધણી કરવાની રહેશે. બાગાયત અને ખેતીવાડી વિભાગ દ્વારા સબસિડી માટેનો પોર્ટલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 27 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી છે. આ યોજના દ્વારા ખેડૂતોને આધુનિક બિયારણ અપનાવવા માટે પ્રોત્સાહન મળે છે, જેના કારણે ઉત્પાદન વધે છે અને આવકમાં વધારો થાય છે. અમરેલી જિલ્લામાં બાગાયત પાકનો વિકાસ ખેડૂતોના જીવનસ્તરને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.

Related Posts

Load more