આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ધ્રોલ તાલુકાના પિપરટોડા ગામના રહિશોએ રસ્તાની અસુવિધાના મામલે રોષ વ્યક્ત કર્યો છે અને ચુંટણીનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનનોનો આક્ષેપ છે કે, તેમને સાંભળ્યા વગર નિર્ણય લેવાતા ચુંટણી બહિષ્કારનો નિર્ણય લેવાયો છે. આ સાથે ડેડીયાપાડાના દુથર ગામના ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. આ સાથે ખેડાના ચિખલોડ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામના ત્રણેય બૂથ પર અત્યાર સુધી એકપણ મત પડ્યો નથી. ચિખલોડ ગામને નવરચિત ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. મહીસાગરમાં ખાતું પગીના મુવાડામાં ચૂંટણી બહિષ્કાર યથાવત છે. ભાવનગરના મહુવાના ઉમણીયાવદર ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર જોવા મળ્યો છે. ભદ્રોડ જિલ્લા પંચાયત હેઠળ આવતા ગામ લોકોએ વિકાસના પ્રશ્નોને લઈને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ડાંગના આહવા તાલુકાના કોટમદર ગામે ડુબાઉ નાળાના મુદ્દે ચૂંટણી બહિષ્કાર.રોડ નહીં તો વોટ નહીં’ના બેનરો સાથે ગ્રામજનોએ મતદાનનો ત્યાગ કર્યો છે. આ સાથે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડેહલી ગામે પાયાની સુવિધાઓના અભાવે લોકોએ મતદાનનો વિરોધ નોંધાવ્યો. પાણી, રોડ અને વીજળી જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી ન થતા ગ્રામજનોએ રસ્તા પર ઉતરી મતદાન ન કરવાની ચેતવણી આપી અને બહિષ્કાર કર્યો.