ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023માં પોતાની કિલર બોલિંગથી તબાહી મચાવી રહ્યો છે. તેણે શ્રીલંકા સામે વધુ એક રેકોર્ડ તોડ્યો અને ઘણા રેકોર્ડ બનાવ્યા, જ્યારે તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં 6માં સ્થાને પહોંચી ગયો છે. શ્રીલંકા વિરૂદ્ધ 5 વિકેટ લીધા બાદ શમીએ એક એવી ચેષ્ટા કરી જે જોઈને ચાહકો થોડા ચોંકી ગયા. વાસ્તવમાં, 5 વિકેટ લીધા પછી, શમીએ ડ્રેસિંગ રૂમમાં બોલ તેના માથા પર મૂકીને એક ઈશારો કર્યો હતો, શમીની આ પ્રતિક્રિયા જોઈને, ચાહકો આશ્ચર્યમાં પડી ગયા હતા કે તેણે આ ઈશારો કોના માટે અને શા માટે કર્યો હતો. જો કે હવે આ વાતનો ખુલાસો ભારતીય ઓપનર શુભમન ગીલે કર્યો છે.
શુભમન ગિલે મેચ વિશે જણાવ્યું કે મોહમ્મદ શમીએ ભારતીય બોલિંગ કોચ પારસ મ્હામ્બરે માટે આ ઈશારો કર્યો હતો, જોકે તેણે એ નથી જણાવ્યું કે મોહમ્મદ શમીએ આવું કેમ કર્યું.
શ્રીલંકા સામે મોહમ્મદ શમીએ 5 ઓવરમાં 18 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેના શાનદાર પ્રદર્શનના આધારે ભારતે 302 રનની મોટી જીત નોંધાવી હતી. શમીને તેના પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.શમી ભારત માટે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપનાર બોલર પણ બની ગયો છે. તેણે આ કારનામું ચાર વખત કર્યું હતું. જ્યારે, જાવાગલ અને ભૂતપૂર્વ અનુભવી સ્પિનર હરભજન સિંહે ત્રણ-ત્રણ વાર આવું કર્યું હતું.
શમી વિશ્વકપમાં ત્રણ વખત પાંચ વિકેટ લેનારો એકમાત્ર ભારતીય છે. કપિલ દેવ, રોબિન સિંહ, વેંકટેશ પ્રસાદ, આશિષ નેહરા અને યુવરાજ સિંહે એક-એક વખત પાંચ વિકેટ ઝડપી હતી. શમી વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે સંયુક્ત રીતે ટોચ પર પહોંચી ગયો છે. તેણે અને ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ત્રણ-ત્રણ વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.