ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન વચ્ચે દુલીપ ટ્રોફીની સેમિફાઇનલ રમાઈ રહી છે. મેચના પહેલા જ દિવસે ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશન ઈજાગ્રસ્ત થયો. ત્યારબાદ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ટીમની કમાન સંભાળી.
બેંગલુરુના BCCI સેન્ટર ઑફ એક્સેલન્સ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી મેચમાં ઈસ્ટ ઝોને ટૉસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી. સેન્ટ્રલ ઝોને પ્રથમ સેશનમાં 3 વિકેટે 81 રન બનાવ્યા. ટીમનો કેપ્ટન રજત પાટીદાર માત્ર 12 રન બનાવીને મુકેશ કુમારની બોલિંગ પર LBW આઉટ થયો.વૈભવ સૂર્યવંશીએ પ્રથમ વખત કોઈ સિનિયર મેન્સ ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. વૈભવ સૂર્યવંશીની આ માત્ર બીજી દુલીપ ટ્રોફી મેચ છે. તે અત્યાર સુધી નવ ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે. તેણે 2024ની શરૂઆતમાં રણજી ટ્રોફી દરમિયાન આ ફોર્મેટમાં ઐતિહાસિક ડેબ્યૂ કર્યું હતું અને તે આ ફોર્મેટમાં ડેબ્યૂ કરનારા સૌથી યુવા ખેલાડીઓમાં સામેલ છે.
વિકેટકીપિંગ કરતી વખતે ઈશાન કિશનના જમણા હાથના કાંડા પર બોલ વાગ્યો. ફિઝિયોએ તેની તપાસ કરી. આ પછી કિશને મેદાન છોડવાનો નિર્ણય કર્યો. થોડા સમય પછી કિશનના હાથ પર સ્ટ્રેપિંગ બાંધેલું જોવા મળ્યું. તેની જગ્યાએ કુમાર કુશાગ્ર વિકેટકીપિંગ કરી રહ્યો છે.વૈભવે નોર્થ-ઈસ્ટ ઝોન સામે ક્વાર્ટર ફાઇનલમાં 3 ઓવરમાં 11 રન આપીને 2 વિકેટ લીધી હતી. જોકે, બેટર તરીકે તે પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 8 રન બનાવી શક્યો હતો. ઇસ્ટ ઝોને આ મેચ એક ઇનિંગ્સ અને 210 રનથી જીતીને સેમિફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું.
IPLથી T20 ક્રિકેટમાં ઓળખ બનાવી ચૂકેલા વૈભવને હજુ રેડ-બોલમાં પોતાને સાબિત કરવાનું છે. દુલીપ ટ્રોફી ટેસ્ટ તેના માટે એક તક છે. તેણે IPL 2026માં સૌથી વધુ 776 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેને ભારતની T20 ટીમમાં સ્થાન મળ્યું.વૈભવ અત્યાર સુધી ભારત માટે 6 T20 ઇન્ટરનેશનલ રમી ચૂક્યો છે. જેમાં તેણે 193 રન બનાવ્યા છે. તેની સરેરાશ 32.16 અને સ્ટ્રાઇક રેટ 189.21 છે. તેના નામે 2 ફિફ્ટી છે.વૈભવ તાજેતરના ઝિમ્બાબ્વે પ્રવાસમાં પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો. તેણે T20 સિરીઝની 3 ઇનિંગ્સમાં 151 રન બનાવ્યા. તેની સરેરાશ 50.33 અને સ્ટ્રાઇક રેટ 196.10 રહ્યો. તેણે 2 અડધી સદી ફટકારી હતી.