વેરાવળ – પ્રી-વેડિંગ ફોટોશૂટ દરમિયાન દરિયામાં 5 લોકો તણાયા, 1 યુવતી લાપતા;

By: Nation Gujarat Team
07 Nov, 2025

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર આજે બપોરે એક ગમખ્વાર દુર્ઘટના બની છે. પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે આવેલા પાંચ લોકો દરિયાની તેજ લહેરોમાં તણાઈ ગયા હતા. તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીને કારણે ચાર યુવકને બચાવી લેવામાં સફળતા મળી છે, પરંતુ એક યુવતી હજુ પણ લાપતા છે, જેની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

ફોટોશૂટ દરમિયાન અચાનક ઊંચી લહેરો આવી પ્રાથમિક માહિતી મુજબ, વેરાવળ નજીકના વિસ્તારમાંથી આ યુવક-યુવતીઓનો સમૂહ ફોટોશૂટ માટે બીચ પર આવ્યો હતો. ફોટોશૂટ ચાલી રહ્યું હતું એ દરમિયાન અચાનક સમુદ્રમાં ઊંચી લહેરો ઊછળી અને પાંચેય લોકોને પોતાની સાથે ખેંચી ગઈ હતી. આ અણધારી ઘટનાને પગલે આસપાસના લોકો અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો

ચાર યુવકનો આબાદ બચાવ, યુવતીની શોધખોળ ચાલુ ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયરબ્રિગેડ, પોલીસતંત્ર અને સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સંયુક્ત બચાવ કામગીરીના પરિણામે પાંચ પૈકી ચાર યુવકને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા.આ દુર્ઘટનામાં 30 વર્ષીય યુવતી જ્યોતિ હરસુખભાઈ પરમાર, રહે: નવાપરા ગામ, હજુ પણ લાપતા છે.દરિયામાં લાપતા બનેલી યુવતી જ્યોતિ પરમાર મૂળ માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની વતની છે અને હાલ ઘણા સમયથી વેરાવળ તાલુકાના નવાપરા ગામે રહે છે. લાપતા યુવતી જ્યોતિની માસીની દીકરીના લગ્ન હતા, વર પક્ષ તથા વધૂ પક્ષના લોકો પ્રી-વેડિંગ શૂટિંગ માટે આદરી બીચ પર આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા દરિયામાં લાપતા યુવતીની શોધખોળ કામગીરી ઝડપી ગતિએ ચાલુ છે. અધિકારીઓ દ્વારા આ ઘટના અંગે વધુ વિગતો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


Related Posts

Load more