વર્લ્ડકપમાં રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી મેચ પહેલા ભારતીય ટીમને આંચકો લાગ્યો છે. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આગામી મેચ રમી શકશે નહીં. ગયા અઠવાડિયે પુણેમાં બાંગ્લાદેશ મેચ દરમિયાન તેને ઈજા થઈ હતી. ત્યારથી પંડ્યા બોલિંગ કરી શક્યો નથી. મેડિકલ ટીમ બેંગલુરુની ક્રિકેટ એકેડમીમાં તેની સારવાર કરી રહી છે. જોકે, પંડ્યા દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ સામેની છેલ્લી બે મેચમાં ટીમમાં વાપસી કરી શકે છે.
તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાને ગત સપ્તાહે પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. તે મેદાનમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો જ્યારે બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે તેણે ડાબા પગની ઘૂંટી વળી ગઈ હતી. તેણે મેદાન પર જ તબીબી સહાય લીધી, પરંતુ તે આગળની મેચ રમી શક્યો નહીં. તે મેડિકલ ટીમ સાથે મેદાન છોડી ગયો હતો. આ ઘટના બાદ ભારતીય ચાહકોના મનમાં ચિંતા જન્મી હતી. પંડ્યા ન્યુઝીલેન્ડ સામેની મેચ પણ રમી શક્યો ન હતો. હવે એવા સમાચાર છે કે તે રવિવારે યોજાનારી ભારત અને ઈંગ્લેન્ડની મેચ રમી શકશે નહીં.
અહીં વર્લ્ડ કપમાં ભારત પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર યથાવત છે. ભારતે રવિવારે ન્યૂઝીલેન્ડને હરાવીને તેની અજેય દોડ ચાલુ રાખી હતી. આ રવિવારે ભારત વર્લ્ડ કપની છઠ્ઠી મેચ રમવા મેદાનમાં ઉતરશે. આ વખતે ભારતનો સામનો ગત વર્ષની ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે થશે. પંડ્યા આ મેચમાં નહીં રમે, ટીમ મેનેજમેન્ટ પણ તેને ઉતાવળમાં લેવા માંગતું નથી, જેથી તે છેલ્લી બે મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય. ભારતીય ટીમ વર્લ્ડ કપમાં સારા ફોર્મમાં છે, તેથી ટીમ મેનેજમેન્ટ સેમિફાઇનલ માટે સંપૂર્ણ ફિટ પંડ્યા ઇચ્છે છે.