Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના માણસાથી ઓસ્ટ્રેલિયા જવા નીકળેયા 4 ગુજરાતીઓનું ઈરાનના તહેરાનમાં અપહરણ કરી કરોડો રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર યુવાનો ઓસ્ટ્રેલિયા જવા નિકળ્યા હતા. તેઓને સૌ પહેલા દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ એમીરેટસ એરલાઈન્સ દ્વારા દિલ્હીથી બેંગકોક, દુબઈ અને તહેરાનમાં લઈ જવામાં આવ્યા હતા. ઈરાનમાં તહેરાનના ઈમામ ખામેનીની ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ તેમને ટેક્સીમાં અપહરણ કરી કોઈ અજાણ્યા સ્થળે લઈ જઈ બંધક બનાવાયા હતા. અપહરણ બાદ બે કરોડની ખંડણી માગી હતી અને યુવકોને માર મારતો વીડિયો વોટસએપ કર્યો હતો. જ્યારે પીડિત પરિવારે ડરના માર્યા 50 લાખ રૂપિયા આપ્યા હતા. આ સમગ્ર મામલે ધારાસભ્યએ ભારત સરકારને પત્ર લખ્યો છે.
આ ઘટનામાં ભોગ બનનારમાં ત્રણ યુવાન અને એક યુવતી છે. આમાંથી એક કપલ એટલે પતિ-પત્ની છે.
1. ચૌધરી અજયકુમાર કાંતિભાઈ
2. ચૌધરી પ્રિયાબેન અજયકુમાર
3. ચૌધરી અનિલકુમાર રઘજીભાઈ
4. ચૌધરી નિખિલકુમાર રમણભાઈ
સ્થાનિક ધારાસભ્ય અને સરપંચ સમક્ષ આ સમગ્ર બાબત આવતાં ગઈકાલે જ ભારત સરકારને પત્ર લખ્યો હતો અને પીડિતોને બચાવવા માટે મદદની ગુહાર લગાવવામાં આવી હતી. જો કે, આ મામલે પ્રયાસો પણ ચાલુ થઈ ગયા છે. સરપંચનું કહેવું છે કે, આ મામલે ઈરાનમાં એમ્બેસી સાથે સંપર્કમાં છે. તેમને બચાવવાના પ્રયત્ન ચાલુ છે અને પીડિત લોકોનો છૂટકારો થાય તે પ્રકારની વાત સામે આવી રહી છે.