વર્લ્ડ કપનું નવું શેડ્યૂલ જાહેર, ભારત-પાક.મેચની તારીખ બદલાઈ

By: nationgujarat
09 Aug, 2023

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ODI વર્લ્ડ કપ 2023નું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. અપડેટ કરાયેલા શેડ્યૂલમાં 9 મેચની તારીખો બદલવામાં આવી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદમાં જ મેચ રમાશે. તો 12 નવેમ્બરે કોલકાતામાં રમાનારી ઇંગ્લેન્ડ-પાકિસ્તાન મેચ હવે 11 નવેમ્બરે યોજાશે.

ટીમ ઈન્ડિયાને ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી મેચ 11 નવેમ્બરે નેધરલેન્ડ્સ સામે રમવાની હતી, પરંતુ હવે આ મેચ બેંગલુરુમાં 12 નવેમ્બરે રમાશે.

પાકિસ્તાનની 3, ભારતની 2 મેચ રિશેડ્યૂલ
વર્લ્ડ કપમાં 9 મેચ ફરીથી નક્કી કરવામાં આવી હતી, પરંતુ કોઈપણ મેચનું સ્થળ બદલાયું ન હતું. ઇંગ્લેન્ડ-બાંગ્લાદેશ અને શ્રીલંકા-પાકિસ્તાન મેચ પણ રિશેડ્યૂલ થવાને કારણે ભારત-પાકિસ્તાન મેચને ફરીથી શેડ્યૂલ કરવી પડી હતી. હવે 10 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ-બાંગ્લાદેશ અને પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મોટી મેચ 13 ઓક્ટોબરના બદલે 12 ઓક્ટોબરે લખનઉમાં રમાશે.

અપડેટ કરાયેલા શેડ્યૂલમાં પાકિસ્તાનની સાથે બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડની 3-3 મેચની તારીખો પણ બદલવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 2-2 મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને નેધરલેન્ડ્સની પણ એક-એક મેચ ફરીથી શેડ્યૂલ કરવી પડી હતી.

11થી 12 નવેમ્બર વચ્ચે 3 મેચ ફરીથી શેડ્યૂલ કરવી પડી
મેચને ફરીથી શેડ્યૂલ કરવાનો મુદ્દો બે અઠવાડિયાં પહેલાં શરૂ થયો હતો, જ્યારે અમદાવાદ પોલીસે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે સુરક્ષા પૂરી પાડવામાં તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે હિન્દુ તહેવાર નવરાત્રિ પણ 15 ઓક્ટોબરથી જ શરૂ થઈ રહી છે, જેના કારણે પોલીસને એકસાથે બે જગ્યાએ સુરક્ષાનું આયોજન કરવું પડશે.

સુરક્ષાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 14 ઓક્ટોબરે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. એને મેનેજ કરવા માટે 10થી 15 ઓક્ટોબરની વચ્ચે 5 વધુ મેચ ફરીથી શેડ્યૂલ કરવી પડી.

અમદાવાદ બાદ, કોલકાતા પોલીસે ગયા અઠવાડિયે કહ્યું હતું કે કાલીપૂજાના તહેવારને કારણે 12 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ-પાકિસ્તાન મેચ માટે તેમને સુરક્ષા સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે હવે ઇંગ્લેન્ડ-પાકિસ્તાન મેચ 11 ઓક્ટોબરે કોલકાતામાં રમાશે. બીજી તરફ, 12 ઓક્ટોબરે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચ હવે બેંગલુરુમાં રમાશે, જે પહેલા 11 નવેમ્બરે રમાવાની હતી.

વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે
ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં 46 દિવસ માટે ODI વર્લ્ડ રમાશે, જેમાં 48 મેચ રમાશે. ગત વર્લ્ડ કપની વિજેતા અને ઉપવિજેતા ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં 5 ઓક્ટોબરે પ્રથમ મેચ રમાશે. 12મી નવેમ્બર સુધી ગ્રુપ સ્ટેજની 45 મેચ રમાશે. બે સેમિફાઈનલ 15 અને 16 નવેમ્બરે રમાશે અને ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.


Related Posts

Load more