ઓસ્ટ્રેલિયા સિરીઝ માટેની વન-ડે માટે શુભમન ગિલને ODIનો કેપ્ટન બનાવ્યો છે. રોહિત શર્મા પાસેથી કેપ્ટન પદ છીનવાઈ લેવાયું છે. આ નિર્ણય 2027ના વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લેવાયો છે. શ્રેયસ અય્યરને વાઇસ કેપ્ટન બનાવ્યો છે. આ ટીમમાં રોહિત સાથે કોહલી પણ ટીમમાં સામેલ છે. જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે રવીન્દ્ર જાડેજાને ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત મોહમ્મદ શમીને પણ ટીમમાં જગ્યા મળી નથી.
ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ત્રણ ODI અને પાંચ T20 મેચ રમશે. પહેલી ODI 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે. બીજી મેચ 23 ઓક્ટોબરે એડિલેડમાં અને ત્રીજી મેચ 25 ઓક્ટોબરે સિડનીમાં રમાશે. ત્યારબાદ પાંચ મેચની T20I સિરીઝ રમાશે. સૂર્યકુમાર યાદવ T20I ટીમનું નેતૃત્વ કરશે.
ઓસ્ટ્રેલિયા સિરીઝ માટેની ભારતીય ટીમ:
ODI ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ.
T20I ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદર.
આની પહેલાં, અમુક મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે કેપ્ટન રોહિત શર્માને આમંત્રણ આપવામાં આવ્યું નથી. સામાન્ય રીતે, કેપ્ટન પસંદગી સમિતિની બેઠકમાં હાજર રહે છે, પરંતુ આ વખતે રોહિતને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. આના કારણે એવી અટકળો શરૂ થઈ કે રોહિત શર્માને આ વખતે ટીમની કમાન સોંપવામાં નહીં આવે. જ્યારે બીજી તરફ શુભમન ગિલે શનિવારે મળેલી પસંદગી સમિતિની બેઠકમાં પણ હાજરી આપી હતી.
2027ના વર્લ્ડ કપ માટેની તૈયારીઓ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ત્રણ વન-ડે અને પાંચ T20 મેચ રમશે. આ પ્રવાસને 2027ના વર્લ્ડ કપની તૈયારીઓના ભાગ રૂપે પણ જોવામાં આવી રહ્યો છે. રોહિત શર્મા પહેલાથી જ ટેસ્ટ અને T20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને હાલમાં ફક્ત વન-ડે ક્રિકેટ રમી રહ્યો છે. આગામી વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, પસંદગીકારો રોહિત શર્માના ભવિષ્ય તેમજ ટીમના ભવિષ્ય માટે આયોજન કરી રહ્યા છે. રોહિતની ઉંમર તેના પક્ષમાં નથી. તેથી, પસંદગીકારોએ ટીમની કમાન ગિલને આપી છે.
બુમરાહને વર્કલોડને ધ્યાનમાં રાખીને આરામ અપાયો બુમરાહના કિસ્સામાં, તેને WTC ચેમ્પિયન સાઉથ આફ્રિકા સામેની બંને ટેસ્ટ મેચ રમવી પડશે. જેથી તેને ODI સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે.
હાર્દિક પંડ્યા અને પંત ઈજાને કારણે ટીમની બહાર હાર્દિક પંડ્યા (હેમસ્ટ્રિંગની ઈજા) અને રિષભ પંત (પગના ફ્રેક્ચરમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે) ઉપલબ્ધ નથી.
રોહિત-કોહલીની 8 મહિના પછી વાપસી ટીમ ઈન્ડિયાના બે સિનિયર પ્લેયર્સ રોહિત અને કોહલી હાલમાં ODIની યોજનાઓમાં યથાવત્ છે, પરંતુ તેઓ આઠ મહિનામાં તેમની પ્રથમ કોમ્પિટેટિવ મેચ રમશે. તેમની છેલ્લી મેચ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ હતી, જે ભારતે દુબઈમાં રોહિતની કેપ્ટનશિપમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને જીતી હતી.