ગુજરાતમાં સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્યો હવે પોતાની સરકારના વહીવટી તંત્ર સામે મેદાને પડ્યા છે. વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને એક પત્ર લખતા રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ પત્રમાં અધિકારીઓની મનસ્વીતા અને પ્રજાના કામો પ્રત્યેની બેદરકારીને લઈને ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
વહીવટી તંત્ર ‘ખંભે ચડ્યું’, પ્રજા ત્રસ્ત
સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્યોએ પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં ઠેર-ઠેર વહીવટી તંત્રનો વહીવટ કથળ્યો છે. તંત્રના કાન સુધી પ્રજાના અવાજ પહોંચતા નથી. સ્થિતિ એવી નિર્માણ પામી છે કે એક સામાન્ય માણસ માટે સરકારી કચેરીમાં નાનું અમથું કામ કરાવવું પણ હવે એક ‘યુદ્ધ’ લડવા સમાન બની ગયું છે.
કયા ધારાસભ્યોએ કરી ફરિયાદ?
વડોદરાના પાંચ મજબૂત ધારાસભ્યોએ આ પત્ર પર સહી કરીને અધિકારીઓની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા છે. જેમાં કેતન ઈનામદાર (સાવલી), શૈલેષ મહેતા – સોટા (ડભોઈ), ધર્મેન્દ્રસિંહ ઝાલા (વાઘોડિયા), અક્ષય પટેલ (કરજણ). ચૈતન્યસિંહ ઝાલા (પાદરા)
“અમે સરકારથી ઉપર છીએ” તેવો અધિકારીઓનો અહંકાર
પત્રમાં અધિકારીઓની કાર્યશૈલી પર આકરા પ્રહારો કરતા જણાવવામાં આવ્યું છે કે નાના કર્મચારીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીના લોકોમાં ખરાબ મનસ્વિતા જોવા મળી રહી છે. અધિકારીઓ પોતાને સરકાર કરતા પણ ઉપર સમજી રહ્યા છે અને પોતાની મરજી મુજબ વહીવટ ચલાવી રહ્યા છે. ધારાસભ્યો દ્વારા સૂચવવામાં આવેલા લોકહિતના કામો અધિકારીઓ કરતા નથી અને ફાઈલો અભેરાઈએ ચડાવી દેવામાં આવે છે.
ધારાસભ્ય પાસે કેમ ગયા?” – જનતાને અપાય છે ધમકી
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે કોઈ સામાન્ય નાગરિક ધારાસભ્યની ભલામણ લઈને જાય છે, ત્યારે અધિકારીઓ પ્રજાને એવું કહીને અપમાનિત કરે છે કે “તમે ધારાસભ્યની મદદ કેમ લીધી?” આ બાબત સીધી રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓના અસ્તિત્વ અને સત્તા પર સવાલ ઉભા કરે છે.
ધારાસભ્યોએ સરકારનું ‘નાક દબાવ્યું’
વડોદરા જિલ્લાના પાંચેય ધારાસભ્યોએ એકસૂરે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે કે બેફામ બનેલા આવા અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે. રાજકીય વિશ્લેષકો આ પત્રને ‘લેટર બોમ્બ’ તરીકે જોઈ રહ્યા છે, કારણ કે ધારાસભ્યોએ પોતાની જ સરકારના તંત્ર સામે મોરચો માંડીને એક રીતે સરકારનું ‘નાક દબાવ્યું’ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
હવે જોવાનું એ રહે છે કે મુખ્યમંત્રી આ પત્રને કેટલી ગંભીરતાથી લે છે અને વડોદરાના આ ‘બાહુબલી’ અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ?