વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર આજે(30 જાન્યુઆરી) વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઔરંગાબાદથી અમદાવાદ તરફ આવતી જય ખોડિયાર ટ્રાવેલ્સની ખાનગી બસ કરજણ ધાવટ ચોકડી પાસેના બ્રિજ પર સાઇડમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. બાદમાં ફાયરને જાણ કરતા તાત્કાલિક કરજણ ફાયર સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશ હાથ ધર્યું હતું. આ અકસ્માતમાં બે લોકોના મોત અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માત બાદ લોકો લોહીલુહાણ હાલતમાં રોડ પર બેસેલા જોવા મળ્યા હતા તથા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. સ્થિતિ એટલી ગંભીર હતી કે ફાયરના જવાનોએ બસમાં જઈ સ્ટ્રેચરની લપસણી બનાવી મૃતદેહ બહાર કાઢ્યા હતા.
ફાયર વિભાગે દોઢ કલાકની ભારે જહેમત બાદ લોકોને બહાર કાઢ્યા આ અકસ્માતમાં બસમાં સવાર 25થી વધુ મુસાફરો ફસાઈ ગયા હતા. કરજણ ફાયર વિભાગની ટીમે દોઢ કલાકની ભારે જહેમત બાદ બસમાંથી લોકોને બહાર કાઢ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમને સારવાર અપાઈ રહી છે.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા આ ભયાનક અકસ્માતને લઈ ફાયર, પોલીસ અને 108ની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. કરજણ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં મૃતક અને ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
29 જાન્યુઆરી, 2026એ વડોદરાના નેશનલ હાઈવે-48 પર ટ્રેલર દુકાનમાં ઘૂસ્યું નંદેસરી પોલીસ મથક હદમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખેડા તરફથી તમિલનાડુ જઈ રહેલું લોખંડની એંગલ્સ ભરેલું ટ્રેલર સાંકરદા બ્રિજ પાસે રોંગ સાઈડમાં આવતું હતું. ચાલકે સ્ટિયરિંગ પરથી એકાએક કાબૂ ગુમાવતા ટ્રેલર દુર્ગા એસ્ટેટના ગેટ પાસે આવેલી ડ્રાયફ્રૂટની દુકાન પાસે ધડાકાભેર ટકરાઈ ગયું હતું.