લ્યો બોલો! મેડમ રિટાયર થઈ ગયા પણ વિભાગ ઊંઘતો રહ્યો, 2 વર્ષ સુધી ‘ગેરકાયદેસર’ રીતે ચાલુ રહી નોકરી

By: Nation Gujarat Team
22 Mar, 2026
Madhya Pradesh News: મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી સરકારી તંત્રની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારી (CMHO) ડૉ. મમતા તિમોરી ખરેખર માર્ચ 2024માં નિવૃત્ત થવાના હતા, પરંતુ વિભાગ તેમને રિટાયર કરવાનું જ ભૂલી ગયું! પરિણામે, મેડમ પૂરા બે વર્ષ સુધી ગેરકાયદેસર રીતે પદ પર રહ્યા અને 2026માં જ્યારે આ ભૂલ પકડાઈ ત્યારે હડકંપ મચી ગયો છે.
2 વર્ષ સુધી માણી સરકારી પદની મજા

નિયમો મુજબ, સરકારી સેવામાં વયમર્યાદા પૂરી થતા જ અધિકારીએ પદ છોડવું પડે છે. ડૉ. તિમોરી માર્ચ 2024માં રિટાયર થવાના હતા, પરંતુ તેઓ 2026 સુધી પોતાની ખુરશી પર બિરાજમાન રહ્યા. આ બે વર્ષ દરમિયાન તેમણે સરકારી પગાર લીધો અને તમામ સુવિધાઓ પણ ભોગવી. આ મામલો માત્ર એક અધિકારીની નિવૃત્તિનો નથી, પરંતુ આખા સિસ્ટમ પર સવાલ ઊભા કરે છે. અહેવાલ મુજબ, ડૉ. મમતા તિમોરીની નિવૃત્તિની તારીખ ફાઈલોમાં નોંધાયેલી હોવા છતાં કોઈએ તેના પર ધ્યાન આપ્યું નહીં.
નિર્ણયો બન્યા તપાસનો વિષય

અહીં, સૌથી મોટો પ્રશ્ન એ છે કે નિવૃત્તિની તારીખ પછી ડૉ. તિમોરીએ જે ફાઈલો પર સહી કરી, જે નિમણૂકો કરી અને જે બજેટ પાસ કર્યું તેની કાયદેસરતા શું? ટેકનિકલ રીતે, રિટાયરમેન્ટ પછીના તેમના તમામ હસ્તાક્ષર ગેરકાયદેસર ગણાઈ શકે છે. કરોડો રૂપિયાના વ્યવહારો જે તેમના કાર્યકાળમાં થયા છે, તેનો હિસાબ હવે તપાસનો વિષય બન્યો છે.
કેવી રીતે ખૂલી પોલ?

તાજેતરમાં જ્યારે હેડક્વાર્ટર ખાતે રેકોર્ડ્સનું ઓડિટ અથવા ચેકિંગ કરવામાં આવ્યું, ત્યારે ઉચ્ચ અધિકારીઓને ખબર પડી કે સાગરના CMHO તો બે વર્ષ પહેલા જ રિટાયર થઈ ચૂક્યા છે. આ જાણકારી મળતા જ વિભાગમાં દોડધામ મચી ગઈ અને તાત્કાલિક અસરથી તેમને પદ છોડવા માટે આદેશ જારી કરવામાં આવ્યો.
હવે આગળ શું?

મધ્યપ્રદેશ સ્વાસ્થ્ય વિભાગે આ મામલે તપાસના આદેશ આપ્યા છે, તે ક્લાર્ક અને અધિકારીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે જેમની જવાબદારી રિટાયરમેન્ટ લિસ્ટ અપડેટ રાખવાની હતી. છેલ્લા બે વર્ષમાં ડૉ. તિમોરીને આપવામાં આવેલા પગાર અને ભથ્થાંની વસૂલાત (Recovery) કરવા માટે કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે. પરંતુ અહીં સવાલ ઊભો થાય છે કે, શું આ ખરેખર ભૂલ હતી કે પછી જાણીજોઈને કરવામાં આવેલી કોઈ ગોઠવણ? તે તો તપાસ બાદ જ બહાર આવશે.

Related Posts

Load more