લો બોલો… ઓપરેશન હતું જમણા હાથનું અને કરી દીધું ડાબાનું: મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં 6 વર્ષના માસૂમ સાથે રમત

By: Nation Gujarat Team
30 Mar, 2026
Medical Negligence: મહારાષ્ટ્રના પંઢરપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ડૉક્ટરે એક બાળકના ખોટા હાથની સર્જરી કરી દીધી. મળતી માહિતી મુજબ, એક બાળક બંને હાથમાં વધારાની આંગળીની બીમારીથી પીડિત હતો. જેની સર્જરી માટે પરિવાર તેને લઈને હોસ્પિટલ ગયો હતો. આરોપ છે કે ડૉક્ટરોએ હોસ્પિટલમાં દાખલ 6 વર્ષના નિર્દોષ બાળકના જમણા હાથને બદલે ડાબા હાથની સર્જરી કરી દીધી હતી. જોકે, હોસ્પિટલનું કહેવું છે કે બાળકના બંને હાથની સર્જરી કરવાની હતી. હાલ પરિવારના આક્ષેપો બાદ તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે.
હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને હાથમાં વધારાની નાની આંગળીઓ હોવાથી પીડાતા 6 વર્ષના બાળકને 27 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેણે તેના જમણા હાથની એક આંગળીમાં દુખાવો અને હલનચલનમાં અવરોધની ફરિયાદ કરી હતી અને તેને તે આંગળીની સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ઓપરેશન જમણા હાથનું કરવાનું હતું, પરંતુ ઓપરેશન કરનાર ડૉક્ટરે ભૂલથી બાળકના ડાબા હાથ પર સર્જરી કરી દીધી અને ખોટા હાથની આંગળી કાઢી નાખી હતી. ત્યારબાદ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે હોસ્પિટલનો પક્ષ છે કે બાળકના બંને હાથમાં સમસ્યા હતી, તેથી બીજા હાથનું ઓપરેશન પણ કરવાનું જ હતું. જોકે, પીડિતના પરિવારનો આરોપ છે કે ડાબા હાથમાં આ બીમારીને લઈને કોઈ તકલીફ નહોતી.
દર્દીઓની સુરક્ષાને લઈને સવાલો

હાલમાં પરિવાર તરફથી હોસ્પિટલ મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ આરોપ બાદ આરોગ્ય વિભાગે ઘટનાની તપાસ માટે બે સભ્યોની પેનલની રચના કરી છે. પીડિત બાળકના પરિવારનું કહેવું છે કે તેમણે સ્પષ્ટપણે જમણા હાથના ઓપરેશન માટે NOC સાઇન કર્યું હતું, પરંતુ ડૉક્ટર દ્વારા બાળકના ખોટા હાથની સર્જરી કરવામાં આવી છે. આ ઘટના બાદ મહારાષ્ટ્રની ગ્રામીણ હોસ્પિટલોમાં દર્દીઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.

Related Posts

Load more