વિગતવાર વાત કરીએ તો, સુરત શહેરના અડાજણ વિસ્તારમાં હનીટ્રેપ કેસમાં ઝડપાયેલા આરોપી સ્મિત ધોળકિયાની પત્ની સ્વીટી ધોળકિયાએ આ સણસણતા આક્ષેપ કર્યો છે. સ્વીટી ધોળકિયાના આક્ષેપ મુજબ, તેને 8મી તારીખે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે “લાજપોર જેલના જેલર” તરીકે ઓળખ આપી હતી અને તેના પતિને જેલમાં ‘વિશેષ સુવિધા’ આપવા માટે 15,000 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.સ્વીટી ધોળકિયાના જણાવ્યા મુજબ, ‘રૂપિયા ન આપ્યા તો જેલમાં તેના પતિને માર મારીને હેરાન કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. ગાદલો-તકિયા સહિતની સુવિધા માટે પણ આ જ રકમની માંગણી કરાઈ હોવાનું તેણીએ જણાવ્યું છે. આ આક્ષેપો બાદ સમગ્ર ઘટનાનું ઓડિયો રેકોર્ડિંગ પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં જેલરના નામે રૂપિયા પડાવવાનો ઉલ્લેખ સાંભળવા મળતો હોવાની ચર્ચા છે.
આ ઓડિયો વાયરલ થતા લાજપોર જેલના જેલર પર આક્ષેપો થઈ રહ્યા છે, તે અંગે જેલરે પોતે નિર્દોષ હોવાનું જણાવી પોતે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે દાવો કર્યો કે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા જેલના અધિકારીની ખોટી ઓળખ આપી તેમના નામનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
હાલ આ મામલે પોલીસ તરફથી ACP નિરવસિંહ ગોહિલએ મહત્વપૂર્ણ વિગતો જણાવી છે કે, અડાજણ પોલીસ મથકે બ્લેકમેલ કેસમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ આરોપીઓના સગા-સંબંધીઓને એક જ મોબાઈલ નંબર પરથી કોલ આવ્યા હતા. આરોપીઓ લાજપોર જેલમાં પહોંચે તે પહેલાં જ આ ‘સુવિધા માટે રૂપિયા’ માંગવાના કોલ સગાઓને આવ્યા હતા. CDR તપાસમાં સ્પષ્ટ થયું કે, આ નંબર જેલના કોઈપણ અધિકારી સાથે સંબંધિત નથી. કોઈ ત્રાહિત વ્યક્તિ જેલના અધિકારીનો વેશ લઈ પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.ACP ગોહિલે વધુમાં જણાવ્યું કે, આ મામલે ટેક્નિકલ સર્વેલન્સ, કોલ ડીટેલ એનાલિસિસ સહિત તમામ તપાસ ઝડપથી આગળ વધી રહી છે અને આરોપીની ઓળખ થઈ ચૂકી છે. ટૂંક સમયમાં આરોપીને ઝડપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારે આ ઘટના પછી ફરી એકવાર લાજપોર જેલ વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે. જો કે પ્રાથમિક તપાસમાં જેલના કોઈપણ અધિકારી-કર્મચારીની સંડોવણી સામે આવી નથી, તેમ છતાં જેલના નામે પૈસા પડાવવાની ઘટના અત્યંત ગંભીર ગણાઈ રહી છે.
કોણ છે તે ત્રાહિત વ્યક્તિ?
હાલ આ બનાવ અંગે, જેલમાં બંધ ગુનેગારોના સગાઓના નંબર આરોપીઓએ કેવી રીતે મેળવ્યા અને જેલરના નામે પૈસાની માંગણી કોણ કરી? શું આ એક ગોઠવાયેલું રેકેટ છે? આ તમામ પ્રશ્નોના જવાબો મેળવવા પોલીસે ઉચ્ચ તપાસ હાથ ધરી છે, ત્યારે આવનારા દિવસોમાં આ મામલે પોલીસ તપાસ પછી નવીન તથ્યો બહાર આવવાની શક્યતા છે