લાખોની કિંમતના વ્હેલ માછલીના એમ્બરગ્રીસ સાથે અમદાવાદના બે શખ્સો ઝડપાયા

By: Nation Gujarat Team
10 Mar, 2026

Ambergris Smuggling : ગુજરાતમાંથી પણ અવારનવાર વ્હેલ માછલીના એમ્બરગ્રીસની હેરાફેરી ઝડપાતી હોય છે. ત્યારે રાજકોટમાંથી ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસને વ્હેલ માછલીના એમ્બરગ્રીસ (તરતી મૂડી) ની હેરાફેરીના નેટવર્કને તોડી પાડવામાં મોટી સફળતા મળી છે. SOGની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને 462 ગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ. 46.20 લાખ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અમદાવાદના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

Ambergris Smuggling : અમદાવાદના બે શખ્સોની ધરપકડ

પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા અમદાવાદના બે શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓની સુમિત ધુમલ અને મયુર ભાવસાર હોવાનું સામે આવ્યું છે. બંન્ને આરોપીઓને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા છે.

વન વિભાગને સોંપાયા આરોપીઓ

SOG દ્વારા મુદ્દામાલ અને બંને આરોપીઓનો કબજો આગળની કાયદેસરની કાર્યવાહી માટે વન વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. વ્હેલ માછલીનું એમ્બરગ્રીસ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ પ્રતિબંધિત હોવાથી આ બાબતે ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

તપાસનો ધમધમાટ: ક્યાંથી લાવ્યા અને કોને વેચવાના હતા?

પોલીસે હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે, આટલી મોટી કિંમતનું એમ્બરગ્રીસ આ શખ્સો ક્યાંથી લાવ્યા હતા અને તેનું વેચાણ કોને કરવાનું હતું? આ નેટવર્ક પાછળ અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ, તે અંગે પૂછપરછ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, સુગંધિત અત્તર અને દવામાં ઉપયોગમાં લેવાતા એમ્બરગ્રીસની આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોમાં કિંમત હોવાથી તેની તસ્કરીના કિસ્સાઓ વધી રહ્યા છે.


Related Posts

Load more