લગ્ન-મરણપ્રસંગમાં ‘ખાલી ખોટો ખર્ચો બંધ!’ ગુજરાતમાં આ સમાજે બનાવ્યા ખાસ નિયમો,

By: nationgujarat
25 Nov, 2025
બનાસકાંઠા: આપણે આપણી આસપાસ ઘણા બધા એવા પ્રસંગો જોઈએ છીએ, જેમાં લાખો રૂપિયાનો ખર્ચો કરી જન્મદિન કે લગ્નપ્રસંગની ધામધૂમથી ઉજવણી થઈ હોય છે. પૈસા ટકે સમૃદ્ધ લોકોના આ ભવ્ય આયોજનો જોઈ એક સામાન્ય વ્યક્તિ પણ એકબીજાની દેખાદેખીમાં લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખે છે. તેમની પાસે રૂપિયા ન હોવા છતાં તેઓ વ્યાજે રૂપિયા લઈ અથવા તો કરોડો રૂપિયાની જમીનો વેચીને રૂપિયા વેડફી નાખે છે અને બાદમાં વ્યાજના ચક્રમાં ફસાઈ ક્યારેક તો આત્મહત્યા જેવી ગંભીર ઘટનાઓ પણ સામે આવે છે, ત્યારે આવી ઘટનાઓ આપણી આસપાસ ન બને તે હેતુથી આ સમાજના લોકોએ જોરદાર ઉપાય શોધી કાઢ્યો છે.
બનાસકાંઠા-ડીસાના રામસણ ગામમાં સોળ ગામ ઠાકોર સમાજે એક મીટિંગ યોજીને સર્વસંમતિથી કડક નિયમો બનાવીને એક ખાસ બંધારણ ઘડ્યું છે. જે બંધારણમાં લગ્ન તેમજ મરણ પ્રસંગમાં થતા ખર્ચ બચાવવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે અને આ બંધારણનું પાલન ન કરનારાઓને રૂ. 2,51,000 દંડ અને એ દંડની રકમ સમાજમાં શિક્ષણના કાર્યોમાં વાપરવાનો ઠરાવ પસાર કરાયો છે. વિગતવાર વાત કરીએ તો, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામે સોળ ગામ ઠાકોર સમાજની બેઠક યોજાઈ હતી અને આ બેઠકની અંદર સોળ ગામના ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં જન ઉપસ્થિતિમાં લગ્ન પ્રસંગ તેમજ મરણ પ્રસંગે અનેક રિવાજો દૂર કરવા માટે ઠાકોર સમાજની બેઠકમાં બંધારણ બનાવવામાં આવ્યું છે અને આ બંધારણનો ભંગ કરનાર સામે રૂ. 2,51,000નો દંડ નક્કી કરવામાં આવ્યો છે.

આ બંધારણ મુજબ, લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તે ઉપરાંત લગ્ન પ્રસંગે વરરાજાને કપડા ભાડે લાવવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. વરરાજાએ ધોતી અથવા અધિવઠો પહેરવાનું નક્કી કરાયું છે. તે ઉપરાંત જાનમાં સનરૂફ વાળી ગાડી પર પણ પ્રતિબંધ મુકાયો છે. લગ્ન પ્રસંગમાં માત્ર આઠ આની સોનું અને 500 ગ્રામ ચાંદી જ આપી શકાશે. વધુમાં જાનમાં 100 લોકોથી વધુએ જવું નહીં. લગ્ન પ્રસંગે ઓઢામણી પ્રથા બંધ કરવી અને રોકડથી વ્યવહાર કરવો જેવા નિયમો લગાવાયા છે.
આટલું જ નહીં, સામાજિક પ્રસંગોમાં વ્યસન પર પ્રતિબંધ મુકાયો છે તેમજ અફીણ અને બીડી પર પણ પ્રતિબંધ મુકાયો છે, ઉપરાંત મામેરા પ્રસંગે દીકરી તરફથી ઓઢામણા ઓઢવા પર પણ પ્રતિબંધ, સગાઈ પ્રસંગે 21 લોકોએ જવું અને લગ્નનું મુહૂર્ત જોવડાવવા માત્ર 5 લોકોએ જવું, એ પ્રકારના શુભપ્રસંગના નિયમો બનાવાયા છે. જ્યારે મરણ પ્રસંગે ખીચડી અને કઢી બનાવવી અને જો ઉંમર વધુ હોય તો બારમાં દિવસે ખીરો બનાવવો તથા મરણપ્રસંગના પોણા મહિના પછી પરિવારે શોક રાખવો નહીં અને માંદગીમાં બોલાવવાના પ્રથા બંધ કરવી તથા મરણ વખતે ઘરના લોકોએ જ કફન લાવવું અન્ય લોકોએ લાવવું નહીં, એવા નિયમો ઘડાયા છે અને જો કોઈ વ્યક્તિ આ નિયમોનો ભંગ કરે તો તેની સામે રૂ. 2,51,000નો દંડ નક્કી કરવામાં આવ્યો છે. આ દંડની રકમ સમાજમાં શિક્ષણના કાર્યોમાં વાપરવાનો ઠરાવ પસાર કરાયો છે.


Related Posts

Load more