રૂપાલાવાળો વિવાદ શાંત પાડવા ભાજપનો પ્રયાસ

By: nationgujarat
24 Apr, 2024

રૂપાલાના નિવેદન બાદ ઉઠેલા વિરોધના વંટોળને ડામવા માટે ભાજપે પણ ખાસ રણનીતિ ઘઢી કાઢી છે. જેના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર આજે હિંમતનગર પહોંચ્યા હતા. ભાજપના પદાધિકારીઓ અને હોદ્દેદારો સાથે બેઠક યોજી. ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ સાથેની બેઠક બાદ તેમણે હિમ્મત નગર ખાતે રાજપૂત સમાજના આગેવાનો સામે પણ બેઠક કરીને સમગ્ર વિવાદ શાંત પાડવાનો પ્રયાસ કર્યો. એક તરફ ક્ષત્રિયોની રણનીતિ છે તો બીજી તરફ ભાજપનું ડેમેજ કન્ટ્રોલ છે. ક્ષત્રિયોના વિરોધને શાંત કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના સંગઠન મંત્રી રત્નાકર અગાઉ સૌરાષ્ટ્રમાં પણ ધામા નાખીને બેઠા હતાં. ત્યાં પણ તેમણે આ આંદોલનને શાંત પાડવાનો પુરો પ્રયાસ કર્યો. સૌરાષ્ટ્ર કચ્છ બાદ હવે ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ભાજપ મનામણા કરવા દોડાદોડી કરી રહ્યું છે. રવિવારે મોડી સાંજે બંને નેતાઓએ રાજકોટની ખાનગી હોટલમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી હતી જ્યારે સોમવારે ભાવનગરમાં ખાનગી હોટલમાં બેઠક કરી.. આ બેઠકમાં જેમાં તેઓએ ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોને સમાજ વચ્ચે જઇ લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવાનુ સૂચન કરવા અપીલ કરી હતી.

બનાસકાંઠાના ભાભરમાં ભાજપના પ્રચારમાં કરાયો વિરોધઃ
રાજપૂત ક્ષત્રિય સમાજે બનાસકાંઠાના લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના કાર્યક્રમમાં કર્યો વિરોધ. ભાજપના કાર્યક્રમમાં જય ભવાનીના નારા લગાવવામાં આવ્યા. એટલું જ નહીં ક્ષત્રિય સમાજના યુવાનોના સૂત્રોચ્ચારથી સમગ્ર કાર્યક્રમમાં ભારે હોબાળો થયો. જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબૂમાં લેવા આ મામલામાં સૂત્રોચ્ચાર કરી રહેલાં 25થી વધુ યુવાનોની પોલીસે અટકાયત કરી. ભાજપનો કાર્યક્રમ પુરો થતા અટકાયત કરેલા યુવાનોને છોડી મુકવામાં આવ્યાં.

ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય આંદોલન પાર્ટ-2નો પ્રારંભઃ
ક્ષત્રિય આંદોલન સમિતિ દ્વારા આંદોલનના પાર્ટ 2ની જાહેરાત કરવામાં આવી હતી. આ આંદોલનને ક્ષત્રિય આગેવાનો દ્વારા ઓપરેશન ભાજપ નામ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત ક્ષત્રિય મહિલાઓએ સોમવારથી પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા. સાથે સાથે રાજકોટમાં 6 ક્ષત્રિયોના કાર્યાલય પણ ખુલ્લા મુકાયા હતા. આ સાથે જ એક બાદ એક ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ક્ષત્રિયોના કાર્યાલય ખુલ્લા મુકવામાં આવી રહ્યાં છે. 24 એપ્રિલ એટલેકે, આજથી ગુજરાતના વિવિધ નામાંકિત ધાર્મિક સ્થળોએથી ધર્મરથ કાઢવામાં આવ્યાં. જેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવશે. તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં પ્રમુખોની નિમણૂંક કરવામાં આવશે. એટલે કે, ક્ષત્રિયો ભાજપનો વિરોધ કરીને મતદારોને ભાજપના ઉમેદવારને મત ન આપવાની અપીલ કરશે.


Related Posts

Load more