‘રૂપાલાની ટિકીટ રદ્દ ના થવી જોઇએ,… અમે સમર્થનમાં છીએ’ -પાટીદાર સમાજ દ્વારા સુરેન્દ્રનગરમાં લગાવાયા બેનરો

By: nationgujarat
08 Apr, 2024

રજવાડાંઓને લઇને આપેલા રૂપાલાના નિવેદન પર હવે માહોલ વધુ બગડી રહ્યો છે. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ એકઠો થયો છે અને ઠેર ઠેર સભાઓ, રેલીઓ અને મહાસંમેલન યોજાઇ રહ્યાં છે, ત્યારે હવે પાટીદાર સમાજે રૂપાલાને ખુલ્લુ સમર્થન જાહેર કર્યુ છે. આજે સુરેન્દ્રનગરમાં રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ ઉતર્યો છે. પાટીદારોએ રૂપાલાને સમર્થન આપતા પૉસ્ટરો લગાવવાનું શરૂ કર્યુ છે. આ સાથે જ હવે લડાઇ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયોથી આગળ વધીને પાટીદારો પર પણ આવી છે. અત્યારે રાજ્યમાં ભાજપ માટે કપરાં ચઢાંણ છે, રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઇને વિવાદ સતત વધી રહ્યો છે, ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ પર અડ્યો છે.

ગુજરાતમાં રૂપાલા વિવાદ સતત વધી રહ્યો છે. ક્ષત્રિયોએ ગઇકાલે ધંધૂકામાં મહારેલી યોજીને મહાસંમેલન ભર્યુ હતુ, આ સંમેલન દરમિયાન રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ ફરી એકવાર પાક્કી કરાઇ હતી. હવે રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ ઉતર્યો છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર શહેરમાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે. જિલ્લાના શહેરના વઢવાણ રૉડ પર પરશોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ ના થવી જોઈએ તેવા લખાણો સાથે પાટીદાર સમાજ દ્વારા બેનરો લગાડીને સમર્થન આપવામાં આવ્યુ છે. પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં બેનર લાગતા જિલ્લાનું સ્થાનિક રાજકારણ ફરીથી ગરમાયું છે.

શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ 
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.

રૂપાલા મુદ્દે મતદાન સુધી આ લડત ચાલુ રાખવા રાજવી પરિવારોનો હૂંકાર, સમાજ વિરૂદ્ધ આ ના ચલાવી લેવાય
ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો મહિલાઓના વિરૂદ્ધમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિરોધ શાંત નથી થઇ રહ્યો, રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે, રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સંગઠન મેદાનમાં આવ્યા છે, અને પરશોત્તમ રૂપાલાની ટિકીટ પાછી ખેંચવાની ભાજપ પાસે માંગ કરી રહ્યાં છે. હવે આ કડીમાં વધુ બે રાજવી પરિવારો જોડાયા છે, ભાવનગર અને વઢવાણ રાજવી પરિવારે પણ પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિરોધ કર્યો છે, અને ચૂંટણીમાં મતદાન થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે.

રૂપાલાના વિરોધમાં સૌરાષ્ટ્રના રાજવી પરિવારો પણ મેદાનમાં આવ્યા છે, ભાવનગર અને વઢવાણના રાજવી પરિવારોએ રૂપાલાના નિવેદનનો ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે અને સમાજ વિરૂદ્ધ આવી ટિપ્પણી ના ચલાવી લેવાયનું કહ્યું છે, તેમને હવે આ લડતને આગળ લડવાનો પણ સંકલ્પ કર્યો છે.

વઢવાણ અને ભાવનગર રાજવી પરિવારે શું કહ્યું –
રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, રૂપાલાના નિવેદન પર હવે વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે.

વઢવાણ રાજવી પરિવાર ઉપરાંત ભાવનગર રાજવી પરિવારે પણ વિરોધમાં સૂર પૂરાવ્યો છે, તેમને પણ રૂપાલાના ક્ષત્રિય મહિલાઓ વિરૂદ્ધના નિવેદનોનો વિરોધ કર્યો છે, આજે પરશોત્તમ રૂપાલાને લઈને ભાવનગરના યુવરાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, હું મારા સમાજ સાથે જ છું, આ નિવેદનથી વિરોધ થવાનો જ છે. આગેવાનો માટે સમાજ પછી પક્ષ હોવો જોઇએ. યુદ્ધભુમિમાં રાજપૂતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે.


Related Posts

Load more