રાવણે તો માતા સીતાને ચોર્યા હતા પણ આ લોકોએ તો…’ રામ મંદિર દાન ચોરી અંગે બાબા બાગેશ્વરનું મોટું નિવેદન

By: Nation Gujarat Team
27 Jun, 2026

Dhirendra Krishna Shastri on Ram Mandir Donation Theft 2026: અયોધ્યા રામ મંદિરના દાન પાત્રમાંથી કથિત ચોરી અને નાણાકીય અનિયમિતતાનો મામલો હવે દેશભરમાં ગરમાયો છે. આ ગંભીર મુદ્દે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અત્યંત આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપીઓની સરખામણી રાવણ સાથે કરતા જણાવ્યું કે, “આ લોકો પણ રાવણ જ છે, બસ તેમના રૂપ બદલાઈ ગયા છે. રાવણે માતા જાનકીનું હરણ કર્યું હતું, જ્યારે આ લોકોએ રામ મંદિરના દાન પાત્રમાંથી કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા, શ્રદ્ધા અને ભરોસો ચોર્યા છે.” તેમણે ઉમેર્યું કે, સીતાજીનું હરણ કરનાર રાવણના વંશનો નાશ થયો હતો, તેમ રામ મંદિરમાં ચોરી કરનારાઓને સરકારી દંડ તો મળશે જ, પરંતુ ભગવાન પણ તેમને મહાદંડ આપશે.

8 આરોપીઓની ધરપકડ, BNS અને ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ
આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના પ્રારંભિક અહેવાલ બાદ અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં પહેલી FIR નોંધવામાં આવી છે. આ કેસમાં 8 લોકોને નામજોગ કરીને તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રમાશંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુનો સમાવેશ થાય છે. આ તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. SIT ના વડા વિજય વિશ્વાસ પંતે પોતાનો રિપોર્ટ સોંપ્યા બાદ આ કડક એક્શન લેવાયા છે.

મોટા લોકોને બચાવવાનો આક્ષેપ
બીજી તરફ, આ મામલે રાજકીય અને સામાજિક વિવાદ પણ શરૂ થઈ ગયો છે. બાબરી વિધ્વંસ કેસના અગ્રણી આરોપી રહી ચૂકેલા સંતોષ દુબેએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ કેસમાં માત્ર નાના સ્તરના કર્મચારીઓ સામે જ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે અસલી જવાબદારોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સંતોષ દુબેએ ટ્રસ્ટના વરિષ્ઠ હોદ્દેદારો ડૉ. અનિલ મિશ્રા, ચંપત રાય અને ગોપાલ રાવ પર નિશાન સાધતા કહ્યું કે, જેમના પર વ્યવસ્થાની મુખ્ય જવાબદારી હતી તેમની સામે કોઈ પગલાં કેમ નથી લેવાયા? તેમણે આ મામલે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી સત્ય સામે લાવવાની માંગ કરી છે.


Related Posts

Load more