રાજ્ય સરકારે Somnath Temple Corridor Project થી અસરગ્રસ્ત લોકો માટે જાહેરાત કરી

By: Nation Gujarat Team
11 Mar, 2026

સોમનાથ તિર્થધામના સર્વાંગી વિકાસ માટે હાથ ધરવામાં આવેલા સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ (Somnath Temple Corridor Project) ને લઈ રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વિસ્થાપિત થનારા મિલકત ધારકોના પુનર્વસન અને આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વિકાસ પરવાનગીમાં મોટી છૂટછાટ જાહેર કરવામાં આવી છે.

માલિકીની બિનખેતી જમીનમાં સરળતાથી બાંધકામ કરી શકશે

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ (Urban Development and Urban Housing Department) દ્વારા તાજેતરમાં જારી કરાયેલા હુકમ મુજબ, કોરિડોર પ્રોજેક્ટમાં અસરકર્તા આશરે 384 જેટલા મિલકત ધારકો હવે પોતાની માલિકીની બિનખેતી જમીનમાં સરળતાથી બાંધકામ કરી શકશે. સરકારના આ નિર્ણયથી સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ (Somnath Urban Development Authority – SOUDA) ની હદમાં આવતા વિસ્તારો તેમજ નગરપાલિકાની નવી વધેલી હદના વિસ્તારોમાં પણ વિકાસને વેગ મળશે.

મિલકત ધારકોને મળશે આ રાહત

સરકારના હુકમ અનુસાર, જે મિલકત ધારકોની જમીન કે મકાન કોરિડોરમાં આવે છે, તેઓને લેન્ડ કોન્ટ્રીબ્યુશન (Land Contribution) ની જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી છે. આનો અર્થ એ છે કે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની જમીન કપાત વગર બાંધકામની મંજૂરી આપવામાં આવશે. વાટાઘાટ સમિતિના અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રના આધારે, જો મિલકત ધારક પાસે હયાત બાંધકામ હોય, તો તે બાંધકામના ક્ષેત્રફળના મહત્તમ બમણા ક્ષેત્રફળ સુધીનું બાંધકામ કરી શકશે. વળી, જો કોઈની પાસે ખુલ્લો પ્લોટ હોય, તો તેટલા જ ક્ષેત્રફળની મર્યાદામાં રહેણાંક અથવા વાણિજ્ય હેતુ માટે બાંધકામ કરવાની પરવાનગી આપવામાં આવશે.

ક્યાં કરશો સંપર્ક

અધ્યક્ષ, સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ અને કલેક્ટર (Collector, Gir Somnath) દ્વારા જણાવાયું છે કે, અસરગ્રસ્ત મિલકત ધારકોએ વિકાસ પરવાનગી માટે ઈણાજ (Inaj) ખાતે આવેલી કલેક્ટર કચેરીના બીજા માળે, રૂમ નં. 328 માં સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ પ્રક્રિયાથી શ્રદ્ધાળુઓની સુવિધા માટે બનતા કોરિડોરની સાથે સ્થાનિક લોકોનું પણ યોગ્ય પુનર્વસન સુનિશ્ચિત થશે.


Related Posts

Load more