રાજ્યમાં વીજળી પડવાની સાથે વરસાદની આગાહી:અમદાવાદમાં ભારે પવન ફૂંકાયો,

By: Nation Gujarat Team
19 Mar, 2026

રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. આશરે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. ખૂબ જ જોરદાર પવન ફૂંકાવાના કારણે રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડી છે, જેના કારણે ધૂળિયો વાતાવરણ થઈ ગયું હતું અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઠંડો પવન ફૂંકાવાના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. અનેક જગ્યાએ ઝાડની ડાળીઓ પણ તૂટી પડી છે. ભારે પવન ફૂંકાતા ઉજાલા અને વણઝર વિસ્તારમાં લાઈટ પણ ગુલ થઈ ગઈ હતી.

ઉત્તર ગુજરાતમાં મીની વાવાઝોડા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કલાકોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના લેટેસ્ટ નાઉકાસ્ટ મુજબ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે મધ્યમ વરસાદની (5-15 mm/hr) આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને 30થી 60 ટકા જેટલી વીજળી પડવાની સંભાવના પણ છે.

6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને ખેડા જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે હળવો વરસાદ (5 mm/hrથી ઓછો) થવાની શક્યતા છે. અહીં પવનની ગતિ 40 કિલોમીટરથી ઓછી રહેશે અને વીજળી પડવાની શક્યતા 30 ટકાથી ઓછી છે.

10 વાગ્યા સુધીની ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ કલાક એટલે કે, 10 વાગ્યા સુધી દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ અને ગાજવીજ થવાની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ખેડામાં યલો એલર્ટ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની મહત્તમ ગતિ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની શક્યતા છે. હળવો વરસાદ (5 મીમી/કલાકથી ઓછો) વરસી શકે છે.


Related Posts

Load more