ગુજરાત રાજ્યના તલાટી-કમ-મંત્રીઓએ પડતર માગણીઓના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. તલાટી મંત્રી મહામંડળ દ્વારા લેવાયેલા આક્રમક નિર્ણય મુજબ આવતીકાલથી રાજ્યના તમામ તલાટીઓ વધારાની કામગીરીથી અળગા રહેશે અને માત્ર પોતાના મૂળભૂત વિભાગોની જ કામગીરી સંભાળશે.
તલાટી મહામંડળનો મુખ્ય આક્ષેપ છે કે તલાટીઓને તેમના નિયત કાર્યક્ષેત્ર બહારની અનેક કામગીરી સોંપવામાં આવે છે. મહામંડળે સરકારને સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરી છે કે લાંબા સમયથી પડતર એવા ‘જોબચાર્ટ’ નો તાત્કાલિક અમલ કરવામાં આવે. જે રીતે અન્ય સરકારી કર્મચારીઓ માટે સ્પષ્ટ કાર્ય જવાબદારીઓ નક્કી છે, તેવી જ રીતે તલાટીઓ માટે પણ કામગીરીનું સીમાંકન કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
વિરોધના ભાગરૂપે, તલાટીઓ આવતીકાલથી અન્ય તમામ વિભાગોની વધારાની કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. તેઓ માત્ર મહેસૂલ (Revenue Department) અને પંચાયત (Panchayat Department) વિભાગની જ નિયત કામગીરી કરશે. આ નિર્ણયને પગલે અન્ય સરકારી કામગીરીઓ અટકી પડવાની શક્યતા છે.
તલાટી મંત્રી મહામંડળે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખીને તેમની વ્યથા અને માંગણીઓ રજૂ કરી છે. સંગઠને ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. વધારાની કામગીરીના બોજ હેઠળ દબાયેલા કર્મચારીઓએ વહીવટી તંત્રને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે તેઓ વધારાની કામગીરીમાંથી મુક્તિ ઈચ્છે છે. આ નિર્ણયને પગલે સરકારી કચેરીઓમાં હલચલ મચી ગઈ છે.