રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. 72 બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા અને ભડકો થયો હતો. 2014માં ભાજપ કાર્યાલયને તાળાબંધી થયા બાદ પ્રથમ વખત 12 વર્ષે કાર્યકરોમાં ભાજપ વિરુદ્ધ ઉગ્ર રોષ ફાટી નીકળો છે. શિસ્તબદ્ધ પાર્ટીની છાપ ધરાવતી ભાજપમાં કોંગ્રેસ પાર્ટીમાં જે વિરોધ થતો તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વોર્ડ નં 13, 3 અને 18માં કાર્યકરો નેતાના સમર્થનમાં આવ્યા અને ટીકીટ નહિ તો વોર્ડ હારશે તેવા સૂત્રોચ્ચાર થયા હતા.
રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ માટે 72 ઉમેદવારોની ભાજપે મોડી રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. યાદી જાહેર કરતા જ કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. કાર્યકરોની નારાજગી વચ્ચે આજે ભાજપના 72 ઉમેદવારો ઉમેદવારી પત્ર રજૂ કરવા જશે. તે પહેલા બહુમાળી ભવન ચોક ખાતે ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન મળ્યું હતું. તમામ ઉમેદવારો એક સાથે પોતાના વિસ્તારની કચેરીમાં ઉમેદવારી પત્ર રજૂ કરવા જશે. તમામ ઉમેદવારોને 12:39ના વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર રજૂ કરશે
શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે જણાવ્યું હતું કે, રાજકોટમાં ભાજપના કોઈ જ કાર્યકરો નારાજ નથી. તેમની રજૂઆત હતી તે કરવા માટે આવ્યા હતા. ટિકિટની ફાળવણી કરવામાં આવી તેમાં જ્ઞાતિના મતદારોની સંખ્યાના આધારે આપવામાં આવી છે. 8 સામાન્ય બેઠક પર OBCને ટીકીટ ફળવણી કરવામાં આવી છે. સાવર્ણ સમાજ નારાજ કોઈ નારાજ નથી. તમામ સમાજના લોકો ભાજપની સાથે જ છે. તમામ જ્ઞાતિને આવરી ટીકીટ ફાળવણી કરવામાં આવી હોવાનો માધવ દવેએ દાવો કર્યો હતો
પૂર્વ ઉપાધ્યક્ષ ડો.ભરત બોધરાએ જણાવ્યું હતું કે, આજે 72 ઉમેદવારોને પાર્ટીએ મેન્ડેડ આપ્યું છે તે ઉમેદવારી નોંધાવશે. તે પહેલાં વિજય વિશ્વાસ સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેશે. ભાજપમાં સાચા અર્થમાં લોકશાહી હોવાથી કાર્યકરો હેડક્વાર્ટર કમલમ ખાતે જ રજુઆત કરવા આવે તે સ્વભાવિક વાત છે. આ પાર્ટીની ઇન્ટરનલ મેટર છે..
ગત 29 ઓક્ટોબર 2025ના રોજ જ્યારે રોટેશન જાહેર થયું ત્યારે ભાજપ પ્રદેશ નેતાગીરીએ ખાતરી આપી હતી કે, સવર્ણોને અન્યાય ન થાય તે માટે સામાન્ય કેટેગરીની બેઠક પર અનામત જ્ઞાતિના ઉમેદવારને ટિકીટ નહીં અપાય. જોકે, ભાજપે આ વખતે શિસ્ત અને વચનોને બાજુમાં મૂકીને માત્ર જ્ઞાતિ આધારિત મતદારોની સંખ્યા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોય હતું
સવર્ણ મતદારોમાં નારાજગી
સવર્ણ મતદારો ભાજપની પરંપરાગત વોટબેંક હોવા છતાં, જે તે જ્ઞાતિનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં અન્ય પક્ષો સામે ટકી રહેવા ભાજપે પોતાના જ સવર્ણ કાર્યકરોનો ભોગ લીધો. 8 સામાન્ય બેઠકો પર સવર્ણ સમાજને એવું હતું કે, સવર્ણોને ટીકીટ મળશે. પરંતુ યાદીમાં 8 સામાન્ય બેઠકો OBC સમાજના ઉમેદવારોને ઉતારતા સવર્ણ સમાજની ટિકિટો કપાઈ છે
કેટલા વોર્ડમાં કાર્યકરો નારાજ?
રાજકોટના વોર્ડ નં 1 અને 3માં કાર્યકરોમાં નારાજગી જોવા મળી. જે લોકોને ટીકીટ આપવામાં આવી છે તે વોર્ડમાં સક્રિય ન હોવા છતાં ટીકીટ આપવામાં આવી. વર્ષો થી પક્ષ માટે સક્રિય હતા તેવા આહીર, સતવારા અને બ્રહ્મ સમાજના ઉમેદવારોની ટીકીટ કાપવામાં આવી
શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે ઉપલા કાંઠાના વોર્ડ નં. 4, 5, 6 અને 15માં ભાજપે સૌથી વધુ પ્રયોગો કર્યા છે. આ 4 વોર્ડમાં જ 6 બેઠકો એવી છે જે સામાન્ય હોવા છતાં અનામત ઉમેદવારોને ફાળવી દેવાઈ છે. વોર્ડ નં. 15માં તો હદ થઈ ગઈ હોય તેમ બે-બે સામાન્ય બેઠકો પર ઓબીસી અને એસસી ઉમેદવાર ઉતારી દેવાતા સ્થાનિક સ્તરે સવર્ણ મતદારો અને દાવેદારોમાં ભારે ગણગણાટ શરૂ થયો છે
રાજકોટના દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નં 13 અને 18માં કાર્યકરો નારાજ થયા છે. જે ઉમેદવારોને ટીકીટ આપી તે સક્રિય ન હોવા છતાં ટિકિટો આપવામાં આવી. વોર્ડ નં 13ના પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણી ટોળા લઈને કાર્યાલયમાં ખાતે ધસી આવ્યા હતા અને હોબાળો થયો હતો
જૈન સમાજ, સતવારા અને પ્રજાપતિ સમાજ નારાજ
રાજકોટ શહેરમાં વર્ષો થી જૈન સમાજના મહિલાઓને જ ટીકીટ આપવામાં આવે છે. જૈન સમાજની માંગણી હતી કે પુરુષ ઉમેદવાર આપવામાં આવે. જોકે RMCની ચૂંટણીમાં મહિલાઓને ટીકીટ આપવામાં આવે તો પણ જૈન સમાજ નારાજ થાય તેવી શકયતા હતા. જોકે ભાજપે જૈન સમાજના ધૈર્ય પારેખને ટીકીટ આપી છે. પરંતુ જૈન સમાજના આગેવાનોમાં ગણગણાટ છે કે, જૈન સમાજના મતદારોની સંખ્યા વધુ હોવા છતાં માત્ર 1 જ ટીકીટ આપવામાં આવી છે.
વોર્ડ નં 1માં પ્રજાપતિ સમાજ બાદ સૌથી વધુ મતદારો સતવારા સમાજના છે. તેમ છતાં સતવારા સમાજને 1 પણ ટીકીટ આપવામાં ન આવતા નારાજ થયા છે. મોડી રાત્રે સતવારા સમાજે બેઠક કરી હતી અને વોર્ડ નં 1માં AAP દ્વારા સતવારા સમાજને ટીકીટ આપતા તેને સમર્થન કરવા આહવાન કર્યું હતું. તો બીજી તરફ પ્રજાપતિ સમાજમાંથી ભાજપે 4 ટીકીટ ફાળવી છે. જેમાં ચારેય ટીકીટ વરીયા પ્રજાપતિ સમાજને આપી છે. સોરઠીયા પ્રજાપતિને એક પણ ટીકીટ ન આપતા નારાજ થયા છે અને સોરઠીયા પ્રજાપતિ સમાજમાંથી પૂર્વ સાશક પક્ષના નેતા લીલુબેન જાદવની ટીકીટ હતી તે પણ કાપવામાં આવી હોવાથી નારાજગીનો ગણગણાટ ઉભો થયો છે.