રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

By: Nation Gujarat Team
15 Jul, 2026

રાજકોટ: રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે.   રાજકોટ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અષાઢી બીજના આગલા દિવસે પડેલા વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. બીજી તરફ યુનિવર્સિટી રોડ પર સામાન્ય વરસાદ દરમિયાન એક વૃક્ષ ધરાશાયી થતાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું, જેના પગલે સ્થાનિક તંત્ર અને પીજીવીસીએલની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.

રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી

રાજકોટ શહેરમાં રેસકોર્સ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, ગોંડલ રોડ,  જ્યુબેલી વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા આઠ દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ અષાઢી બીજના આગલા દિવસે ફરી મેઘરાજાએ એન્ટ્રી કરતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી.

ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો

રાજકોટ શહેરની સાથે સાથે રાજકોટ જિલ્લાના મેટોડા, મેટોડા GIDC, ખીરસરા, વડ વાજડી, વાગુદડ તેમજ કાલાવડ હાઈવે આસપાસના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે  ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આગામી વાવેતર માટે પણ વરસાદ લાભદાયી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

યુનિવર્સિટી રોડ પર વૃક્ષ ધરાશાયી

રાજકોટ શહેરમાં વરસેલા વરસાદ દરમિયાન રાજકોટના યુનિવર્સિટી રોડ પર એક મોટું વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. વૃક્ષ નીચે પાર્ક કરાયેલા અને પસાર થઈ રહેલા કેટલાક વાહનો દબાઈ ગયા હતા, જેના કારણે વાહનોને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હતું. જોકે, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ મળ્યા નથી.

તંત્ર અને પીજીવીસીએલની તાત્કાલિક કામગીરી

વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રસ્તા પર પડેલું વૃક્ષ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ પીજીવીસીએલની ટીમ પણ સ્થળ પર પહોંચી વીજ પુરવઠાને અસર ન થાય તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સામાન્ય વરસાદમાં જ વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાએ શહેરમાં વૃક્ષોની જાળવણી અને નિયમિત ચકાસણી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકોનું માનવું છે કે વરસાદી સિઝન પહેલાં જોખમી વૃક્ષોની ઓળખ કરી સમયસર યોગ્ય પગલાં લેવાં જરૂરી છે, જેથી આવી ઘટનાઓને ટાળી શકાય.


Related Posts

Load more