રશિયાને છંછેડશો તો પરમાણુ હુમલા કરી વિનાશ સર્જીશું : પુતિન

By: nationgujarat
20 Nov, 2024

મોસ્કો : અમેરિકાએ યુક્રેનને યુએસ બનાવટના લાંબી રેન્જના મિસાઈલનો ઉપયોગ રશિયા સામે કરવાની મંજૂરી આપ્યાના દિવસોમાં જ યુક્રેને અમેરિકાના છ એટીએસીએમએસ મિસાઈલ રશિયાના બ્રીન્સ્ક પ્રાંત પર છોડયા હતા. બીજીબાજુ અમેરિકાની બદલાયેલી નીતિના જવાબમાં યુક્રેન સાથે યુદ્ધના ૧૦૦૦ દિવસ થવાની તૈયારી છે ત્યારે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને પણ તેમની પરમાણુ નીતિમાં ફેરફાર કરતા વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે. નવી નીતિ હેઠળ રશિયા પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશની ભાગીદારી સાથે ન્યુક્લિયર શસ્ત્રોના હોય તેવા દેશના હુમલાને મોસ્કો પર સંયુક્ત આક્રમણ ગણાશે અને સૈન્ય પરમાણુ હુમલો કરી શકશે.

અમેરિકાના વિદાય લઈ રહેલા પ્રમુખ જો બાઈડેને યુક્રેનને યુએસ બનાવટના લાંબી રેન્જના મિસાઈલોથી રશિયામાં અંદર સુધી હુમલા કરવાની મંજૂરી આપીને ગંભીર ભૂલ કરી છે. અમેરિકાની મંજૂરી મળ્યા પછી યુક્રેને મંગળવારે સવારે રશિયાના બ્રીન્ક્સ પ્રાંત પર અમેરિકન બનાવટના છ આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ (એટીએસીએમએસ) મિસાઈલ છોડયા હતા, જેમાંથી પાંચ અમે તોડી પાડયા હતા અને એક મિસાઈલને નુકસાન પહોંચાડયું હતું. આ મિસાઈલ યુક્રેનની સરહદથી ૭૫ માઈલ દૂર કારાચેવ વિસ્તારમાં રશિયન મિલિટ્રી ફેસિલિટીમાં પડયું હતું. જોકે, યુક્રેનના આ હુમલાથી અમને કોઈ મોટું નુકસાન થયું નથી તેમ રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો.

જોકે, રશિયા પર એટીએસીએમએસ મિસાઈલનો હુમલો કર્યાની બાબતને યુક્રેને હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટી આપી નથી. પરંતુ યુક્રેન પર રશિયાના હુમલાને મંગળવારે ૧,૦૦૦ દિવસ પુરા થયા છે ત્યારે અમેરિકાની મંજૂરી અને યુક્રેનના આ હુમલાથી સ્થિતિ વધુ વણસી હોવાનો નિષ્ણાતો દાવો કરી રહ્યા છે.

યુક્રેનને લાંબા અંતરની મિસાઈલોથી રશિયા પર હુમલો કરવાની અમેરિકાએ મંજૂરી આપી હોવાની ઘટનાને રશિયાએ મોસ્કો સાથે અમેરિકાનું સીધું યુદ્ધ ગણાવ્યું હતું. વધુમાં અમેરિકાની મંજૂરીના બીજા જ દિવસે રશિયાએ તેની પરમાણુ હુમલાની નીતિમાં ફેરફાર કર્યો હતો. આ અંગેના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતાં રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને કહ્યું કે, કોઈ દેશ જેની પાસે પરમાણુ હથિયારો ના હોય તે પરમાણુ હથિયારોથી સજ્જ દેશની મદદથી રશિયા પર હુમલો કરશે તો તેને રશિયા વિરુદ્ધ યુદ્ધનું સંયુક્ત એલાન સમજવામાં આવશે. રશિયા વિરુદ્ધ બેલિસ્ટિક મિસાઈલનો ઉપયોગ કરાશે તો જવાબમાં પરમાણુ હુમલો કરવામાં આવી શકે છે.

રશિયન પ્રમુખ પુતિને મંગળવારે પશ્ચિમી દેશો અને યુક્રેનને સ્પષ્ટ સંદેશો આપતા નવા ડોક્ટ્રિન પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં રશિયન કેવા સંજોગોમાં પરમાણુ હુમલો કરી શકશે તેનો દાયરો વધારવામાં આવ્યો હતો. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે યુક્રેન અને પશ્ચિમી દેશોને સ્પષ્ટ સંદેશો આપતા કહ્યું કે, અમારા સિદ્ધાંતોને વર્તમાન સ્થિતિને અનુરૂપ લાવવા જરૂરી હતા. જોકે, તેમણે એમ પણ કહ્યું કે, રશિયા પરમાણુ હુમલો ત્યારે જ કરશે જ્યારે તે તેના માટે મજબૂર હોવાનું અનુભવશે.

અગાઉ રશિયાની નીતિ તેના પર પરમાણુ હુમલો થાય તો જ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની હતી, પરંતુ હવે બેલેસ્ટિક મિસાઈલથી હુમલો થાય તો પણ સૈન્યને પરમાણુ હુમલાની મંજૂરી અપાઈ છે. દરમિયાન રશિયાએ યુક્રેન પર હુમલા વધારી દીધા છે. રશિયાએ સતત ત્રીજા દિવસે યુક્રેનના રહેણાંક વિસ્તારો પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો. યુક્રેનના લુખીવ શહેરમાં એક શૈક્ષણિક ઈમારતને મંગળવારે રશિયાએ નિશાન બનાવતાં ૧૨ નાગરિકોનાં મોત નીપજ્યાં હતા અને અન્ય ૮૪ ઘાયલ થયા હતા.

દરમિયાન રશિયા અને યુક્રેન યુદ્ધને ૨૪ નવેમ્બરે ૧,૦૦૦ દિવસ પૂરા થશે ત્યારે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને દેશના કુલ ૧૦ લાખ સૈનિકોનાં મોત નીપજ્યાં છે અથવા ગંભીર રીતે ઘાયલ થયા છે તેમ સૂત્રોનું કહેવું છે. ફેબુ્રઆરી ૨૦૨૨માં શરૂ થયેલા યુદ્ધને ૨૪ નવેમ્બરે ૧,૦૦૦ દિવસ થશે.


Related Posts

Load more