મેયર સમયસર પણ કોર્પોરેટરો ગેરહાજર! ગાર્ડન ઉદ્ઘાટન કાર્યક્રમમાં માત્ર બે કોર્પોરેટરો જ હાજર

By: Nation Gujarat Team
03 Feb, 2026

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિકાસ માટે અવારનવાર લોકાર્પણના કાર્યક્રમો યોજવામાં આવે છે, પરંતુ ઘણીવાર આ કાર્યક્રમોમાં પદાધિકારીઓની ગેરહાજરી ચર્ચાનો વિષય બને છે. આવો જ એક કિસ્સો આજે કુબેરનગર વોર્ડમાં જોવા મળ્યો હતો, જ્યાં નવા બગીચાના ઉદ્ઘાટન પ્રસંગે નેતાઓની પાંખી હાજરી ઉડીને આંખે વળગી હતી.

સમય પાલનનો અભાવ કે સંકલનની કમી?

કુબેરનગર વોર્ડમાં સિંધી સમાજની લાગણી અને વસ્તીને ધ્યાનમાં રાખીને નવનિર્મિત ગાર્ડનનું નામ ‘સાંઈ ઝુલેલાલ ગાર્ડન’ રાખવામાં આવ્યું છે. આ ગાર્ડનનું લોકાર્પણ અને નામાભિધાન મેયર પ્રતિભા જૈનના હસ્તે નિર્ધારિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો સત્તાવાર સમય સવારે 11:15 વાગ્યાનો હતો.

મેયરે જોવી પડી રાહ

નવાઈની વાત એ હતી કે મેયર સમયસર પહોંચી ગયા હોવા છતાં, સ્થાનિક કોર્પોરેટરો ગેરહાજર હતા. મેયર અને અન્ય પદાધિકારીઓએ તકતીના અનાવરણ માટે સ્થાનિક કોર્પોરેટરોની રાહ જોવી પડી હતી. લાંબી રાહ જોયા બાદ ભાજપના માત્ર બે જ કોર્પોરેટરો કાર્યક્રમમાં હાજર થયા હતા, ત્યારબાદ વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

લોકોમાં ચર્ચાનું કેન્દ્ર

સ્થાનિક રહીશોમાં આ બાબતે અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા:

શું સ્થાનિક કોર્પોરેટરોને મેયરના આગમન વિશે યોગ્ય જાણ નહોતી?
શું સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલનનો અભાવ છે?
જાહેર જનતાના કામોના લોકાર્પણમાં પણ રાજકીય ઉદાસીનતા કેમ?

સિંધી સમાજ માટે આ એક મહત્વનો પ્રસંગ હતો, પરંતુ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓની ઓછી હાજરીને કારણે કાર્યક્રમની ગરિમા જળવાઈ ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સત્તાધારી પક્ષના જ પ્રતિનિધિઓ જ્યારે શિસ્ત અને સમયપાલનમાં થાપ ખાય છે, ત્યારે તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા થવા સ્વાભાવિક છે.

શિસ્તના આગ્રહી ગણાતા મેયર અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સમય પહેલા એટલે કે 11:00 વાગ્યે જ સ્થળ પર પહોંચી ગયા હતા. સામાન્ય રીતે જ્યારે મેયર જેવા ઉચ્ચ પદાધિકારી કોઈ વિસ્તારની મુલાકાતે આવતા હોય, ત્યારે સ્થાનિક કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ સ્વાગત માટે અગાઉથી હાજર રહેવું પડતું હોય છે. પરંતુ અહીં ચિત્ર કંઈક અલગ જ જોવા મળ્યું હતું.


Related Posts

Load more