Vegetable Seller Wins Rs 11 Crore from Lottery: જયપુર જિલ્લાના કોટપુતલી ગામના રહેવાસી અને શાકભાજી વિક્રેતા અમિત સેહરાની જિંદગી અચાનક બદલાઈ ગઈ છે, કારણ કે તેને 11 કરોડની લોટરી લાગી છે. અમિત સેહરાએ પોતાના એક મિત્ર સાથે પંજાબ ફરવા ગયો હતો ત્યારે તેણે લોટરીની બે ટિકિટ ખરીદી હતી.
હવે ખાસ વાત એ છે કે, શાકભાજી વેચીને પરિવારનું ભરણપોષણ કરનાર અમિત સેહરા ભલે ‘નવો કરોડપતિ’ બન્યો છે, પરંતુ તે દિલથી તો પહેલાથી જ અમીર હતો. તો જ તો તે જે મિત્ર પાસેથી 1000 રૂપિયા ઉધાર લઈને 11 કરોડ જીત્યો એ મિત્રને 1 કરોડ રૂપિયા આપવા જઈ રહ્યો છે.
રાજસ્થાનમાં જયપુરના કોટપુતલીના નિવાસી અમિત સેહરા હાલમાં ચર્ચામાં છે. લોકો તેના નસીબની જ નહીં પરંતુ તેની નમ્રતા અને મિત્રની મદદને યાદ રાખવાની બાબતની પણ પ્રશંસા કરી રહ્યા છે. વાસ્તવમાં અમિત સેહરા પોતાના મિત્ર મુકેશ સાથે પંજાબ ફરવા ગયો હતો. તેણે ભઠિન્ડામાં એક લોટરીની દુકાન અને ટિકિટ ખરીદનારા લોકોની ભીડ જોઈ અને તે લલચાઈ ગયો. તે પણ પોતાનું નસીબ અજમાવવા માગતો હતો. તેને ખબર પડી કે ટિકિટની કિંમત 500 રૂપિયા છે. તે સમયે અમિતના ખિસ્સામાં ટિકિટ ખરીદવા પૂરતા પૈસા નહોતા. તેણે સંકોચ કર્યા વિના તરત જ મુકેશ પાસેથી 1,000 રૂપિયા ઉધાર લીધા.