મારા રાજમાં સૌ કોઈ કમાય છે…: ક્રિપ્ટોથી અબજોની કમાણી મુદ્દે ટ્રમ્પનો જવાબ

By: Nation Gujarat Team
02 Jul, 2026

Donald Trump Crypto Income Report : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ ક્રિપ્ટોકરન્સીમાંથી જંગી કમાણી કરી હોવાના અહેવાલોથી દેશનું રાજકારણ ગરમાયું છે. ટ્રમ્પના નાણાકીય અહેવાલમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, તેમણે સત્તામાં આવ્યાના પ્રથમ વર્ષ એટલે કે 2025માં જ ક્રિપ્ટોમાં મોટા સોદા કર્યા હતા, જેમાંથી ‘ટ્રમ્પ ઍન્ડ ફેમિલી’એ 1.4 અબજ ડૉલરથી વધુની જંગી કમાણી કરી છે. ટ્રમ્પે દસ્તાવેજોમાં ઉલ્લેખ કર્યો છે કે, તેમને 500 મિલિયન ડૉલરથી વધુની આવક તેમના પુત્રો અને સ્ટીવ વિટકૉફના પરિવાર દ્વારા શરૂ કરાયેલી ‘વર્લ્ડ લિબર્ટી ફાઈનાન્શિયલ’ ક્રિપ્ટો કંપનીમાંથી થઈ છે.

ટ્રમ્પે ક્રિપ્ટોથી 1.43 અબજ ડૉલરની કમાણી કરી
ટ્રમ્પે નવા નાણાંકીય ખુલાસામાં પોતાની આવક જાહેર કરી છે. દસ્તાવેજ મુજબ, ટ્રમ્પની ક્રિપ્ટો સંબંધિત કુલ આવક 1,430,390,415 ડૉલર નોંધાઈ છે. આ જંગી કમાણીની વિગતો સામે આવ્યા બાદ વિરોધીઓ સક્રિય થઈ ગયા છે અને ટ્રમ્પ પર પદનો દુરુપયોગ કરવાના આકરા પ્રહારો શરૂ કરી દીધા છે.

વ્હાઇટ હાઉસે ટ્રમ્પનો બચાવ કર્યો
બીજી તરફ, વ્હાઇટ હાઉસે આ મામલે ટ્રમ્પનો બચાવ કરતાં સ્પષ્ટ કહ્યું કે, ટ્રમ્પે પોતાના બિઝનેસને પુત્રો દ્વારા સંચાલિત થતાં એક ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી દીધો છે. આનાથી દેશના હિતોને નુકસાન થવાનો કે ‘હિતોના ટકરાવ’ જેવો કોઈ મુદ્દો જ નથી. વ્હાઇટ હાઉસે સાફ ઇન્કાર કર્યો છે કે રાષ્ટ્રપ્રમુખ પોતાના પદનો કોઈ ગેરલાભ ઉઠાવી રહ્યા છે.

મેં પદનો દુરુપયોગ કર્યો નથી: ટ્રમ્પ
મીડિયા રિપોર્ટ મુજબ, સત્તા અને કમાણી પર સવાલો ઊભા થયા બાદ અમેરિકન રાષ્ટ્રપ્રમુખે પોતાના બચાવમાં સફાઈ આપી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ સંપત્તિ તેમના રાજકારણમાં આવ્યા પહેલાના કરિયરનું પરિણામ છે. કતાર દ્વારા ગિફ્ટ કરવામાં આવેલા નવા વિમાનમાં પ્રથમ સફર દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે તમામ ટીકાઓને પાયાવિહોણી ગણાવી ફગાવી દીધી હતી. ટ્રમ્પે રમૂજી અંદાજમાં કહ્યું કે, ‘તેઓ સત્તામાં આવ્યા બાદ અત્યારે શેરબજાર વધી રહ્યું છે અને દરેક લોકો કમાણી કરી રહ્યા છે, તો મને નફો થાય તેમાં શું ખોટું છે?’

કમાણી સીક્રેટ ટ્રસ્ટમાં રાખી હોવાનો દાવો
અમેરિકન સરકારી નૈતિકતા કાર્યાલય(Ethics Office)ના ડૉક્યુમેન્ટ્સ દર્શાવે છે કે, ટ્રમ્પને 2025માં ‘વર્લ્ડ લિબર્ટી ફાયનાન્શિયલ’ દ્વારા લગભગ 550 મિલિયન ડૉલર મળ્યા છે. આ ઉપરાંત, પોતાના જ નામના ક્રિપ્ટોકરન્સી લાયસન્સિંગ એગ્રીમેન્ટ ($TRUMP) હેઠળ 635 મિલિયન ડૉલરની રૉયલ્ટી મળી હોવાનો પણ ઉલ્લેખ છે. ટ્રમ્પે ઉમેર્યું કે આ કમાણીનો લાભ તેમને સીધો ન મળે તે માટે તેમણે આ નાણાં ‘સીક્રેટ ટ્રસ્ટ’માં રાખ્યા છે. તેઓ પોતાના અંગત નાણાંકીય મામલાઓમાં દખલગીરી કરતા નથી અને પ્રોફેશનલ ફંડ મેનેજરો જ તેનું સંચાલન અને રોકાણ કરે છે.

બે વર્ષમાં સંપત્તિ ત્રણ ગણી વધી
નોંધનીય છે કે, ‘વર્લ્ડ લિબર્ટી ફાયનાન્શિયલ'(WLF) કંપનીની જાહેરાત સપ્ટેમ્બર-2024માં થઈ હતી. આ કંપનીના કો-ફાઉન્ડર્સ ટ્રમ્પના પુત્રો અને મિડલ ઈસ્ટના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફના પુત્રો છે. ફોર્બ્સના રિપોર્ટ મુજબ, ક્રિપ્ટોકરન્સીની તેજીના કારણે ટ્રમ્પની સંપત્તિમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. તેમની સંપત્તિ 2024માં 2.3 અબજ ડૉલર હતી, જે 2026માં વધીને 6.5 અબજ ડૉલરે પહોંચી ગઈ છે. વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ, ટ્રમ્પને અમેરિકાને દુનિયાની ‘ક્રિપ્ટો કેપિટલ’ બનાવવા પર ગર્વ છે.


Related Posts

Load more