Manjalpur Byelection Result LIVE: ગુજરાતની હાઈપ્રોફાઈલ ગણાતી વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે (3 ઓગસ્ટ 2026) જાહેર થવાના છે. વડોદરાના મકરપુરા સ્થિત ભવન્સ સ્કૂલ ખાતે બનાવેલા મતગણતરી કેન્દ્ર પર સવારે 8 વાગ્યાથી ઈવીએમ (EVM) માં નોંધાયેલા મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચ અને સ્થાનિક પ્રશાસન દ્વારા પરિણામો પારદર્શક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરાના પૂર્વ મંત્રી સ્વ. યોગેશ પટેલના અવસાનથી ખાલી પડી હતી બેઠક
માંજલપુર વિધાનસભા બેઠક ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી યોગેશ પટેલના નિધનના કારણે ખાલી પડી હતી. આ બેઠક પર 30 જુલાઈએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કુલ 260 મતદાન મથકો પર માત્ર 37.5 ટકા થી 37.7 ટકા જેટલું ઓછું મતદાન નોંધાયું હતું.
ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કર
આ પેટાચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉંગ્રેસ વચ્ચે છે:
ભાજપ: વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર સતીષ ગોવિંદભાઈ પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
કૉંગ્રેસ: પૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપનો અજેય ગઢ ગણાય છે માંજલપુર
માંજલપુર બેઠક દાયકાઓથી ભાજપનો પરંપરાગત ગઢ રહી છે. સ્વ. યોગેશ પટેલે 1990 થી 2007 વચ્ચે રાવપુરા બેઠક પરથી 5 વાર અને ત્યારબાદ નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી માંજલપુર બેઠક પરથી 2012, 2017 અને 2022 માં સતત વિજય મેળવ્યો હતો. તેઓ સતત 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2022 ની ચૂંટણીમાં 60.15% મતદાન થયું હતું અને યોગેશ પટેલે 1,20,133 મતો મેળવીને કૉંગ્રેસના ઉમેદવારને મોટા અંતરથી હરાવ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે આ પેટાચૂંટણીમાં જનતા ભાજપના સતીષ પટેલને વિજય અપાવે છે કે કૉંગ્રેસ ઉલટફેર કરવામાં સફળ થાય છે.